Connect Gujarat
સુરત 

સુરત: ઈ-શ્રમ પોર્ટલ દિવસે કામ નહિ કરતા શ્રમિક કાર્ડ કઢાવવા લોકોની મધ્ય રાત્રિએ લાગી લાંબી કતારો

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે 26 ઓગસ્ટના રોજથી ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી છે.

X

દિવસભર કામ કરીને શ્રમિકો મધ્યરાત્રીએ કલાકો લાઈનમાં ઊભા રહી શ્રમિક કાર્ડ બનાવવા મજબૂર બન્યા છે. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે 26 ઓગસ્ટના રોજથી ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી છે. શ્રમિક કાર્ડ બનાવનારાઓની સંખ્યાને કારણે સર્વર પર ભારે લોડ પડતાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોમન સર્વિસ સેન્ટર દ્વારા દેશભરમાં રાત્રી 12 થી સવારે 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પણ રાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર કામ કરીને મજૂરો શ્રમિક કાર્ડ બનાવવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. શ્રમિક કાર્ડ કઢાવવા આવેલા કામદાર મજુર સુરેશભાઈએ જણાવ્યું હતું કે, હું મજૂરી કામ કરું છું દિવસભર થાકીને ઘરે આવું છું. આજરોજ અમારા વિસ્તારમાં શ્રમિક કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ રાત્રી દરમિયાન કૅમ્પ હોવાથી અમને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રાત્રે 12 વાગ્યે શ્રમિક કાર્ડ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ નંબર આવે છે.

ઇ-શ્રમ પોર્ટલ અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ મજૂરોને 12-અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને ઇ-શ્રમ કાર્ડ આપશે, જે દેશભરમાં માન્ય રહેશે. ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે. સ્થળાંતર કામદારોને ટ્રેક કરવામાં મદદ મળશે. મજૂરોનો ડેટા અને માહિતી એકત્રિત કરવામાં આવશે. સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે. આના માધ્યમથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળશે. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ કામદારોએ આ પોર્ટલ પર નોંધણી કરાવી છે. જ્યારે હાલમાં જાહેર સેવા કેન્દ્રો પર ઈ-શ્રમ કાર્ડ બનાવવા લોકોનો ભારે ધસારો છે. સાથે જ કાર્ડ બનાવનારાઓની સંખ્યાને કારણે સર્વર પર ભારે લોડના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

Next Story