/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-2-copy.jpg)
પોલીસ અને વિજીલન્સની ટીમે ઘટના સ્થળે દોડી જઈ ત્રણ સ્ટુડન્ટની કરી અટકાયત
વડોદરાની MSU યુનિવર્સિટી મોટા ભાગે વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને ખૂબ વિવાદમાં રહેતી હોય છે. ત્યારે આગામી 24 ઓગસ્ટે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીને લઈને વિદ્યાર્થી યુનિયનો દ્વારા પ્રચાર-પ્રસારનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજરોજ વિદ્યાર્થી વિકાસ સંગઠન અને એનએસયુઆઇના કાર્યકરો સામ સામે આવી જતાં બન્ને જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એનએસયુઆઇ, એબીવીપી અને જય હો ગૃપના ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે. તેની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી ગયો છે. જોકે એનએસયુઆઇ અને એબીવીપી વચ્ચે સીધો જંગ જોવા મળશે, ત્યારે એનએસયુઆઇને સત્તાથી દૂર રાખવા માટે અન્ય ગૃપો મેદાને પડ્યા છે. દરમિયાન આજે ચૂંટણી પ્રચાર નીકળેલા એનએસયુઆઇ અને વિદ્યાર્થી વિકાસ સંગઠન એક જ ફેકલ્ટીમાં આમને-સામને આવી ગયા હતા.
ચૂંટણી પ્રચારને લઇને બંને ગૃપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને ગૃપના કાર્યકરો વચ્ચેની બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અને કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. આ બનાવને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં વિજીલન્સની ટીમ અને પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે બંને ગૃપોના ત્રણ સ્ટુડન્ટની અટકાયત કરી હતી અને તેઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. કેમ્પસમાં પોલીસની દરમિયાનગીરીને પગલે વિદ્યાર્થી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. એનએસયુઆઇના અગ્રણીઓએ પોલીસ ચોક્કસ એક ગૃપના ઇશારે કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ચૂંટણીના પગલે બીજી વખત મારારમારીનો બનાવ બન્યો છે. આવનારા દિવસોમાં એમ.એસ.યુનિવર્સિટી સમરાંગણમાં ફેરવાઇ જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.