Connect Gujarat
Featured

વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા

વડોદરા : અંતિમ સંસ્કાર માટે અહેમદ પટેલનો પાર્થિવ દેહ એરપોર્ટ પર આવી પહોંચતા સમર્થકો ઉમટી પડ્યા
X

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામના વતની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની દફન વિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવનાર છે.જ્યાં પિરામણ ગામમાં કબરની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અહેમદ પટેલના પાર્થિવ દેહને વિશેષ ચાર્ટડ પ્લેન મારફતે આજે રાત્રે દિલ્હીથી 8 કલાકે વડોદરા હવાઈ મથકે લવાયો હતો. વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધનાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ,જીલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, ,પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત કાઉન્સિલર, કોંગ્રેસના અગ્રણી નેતા મૌલિન વૈષ્ણવ, અનુજ પટેલ, કાઉન્સિલરો ,સેવાદળ સહિતના અગ્રણીઓ અને કોંગ્રેસી કાર્યકરોએ હાજર રહી અહેમદ પટેલના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

તેઓના દેહને પીરામણ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફતે વડોદરા એરપોર્ટ ખાતેથી અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રખાશે અને આવતીકાલે સવારે 10 વાગ્યે વતન પિરામણ ગામના કબ્રસ્તાન માં દફનવિધિ કરાશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ માં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

હરણી વિમાની મથકે સફેદ પોષકમાં સજ્જ સેવાદળની ટીમે બ્યુગલ વગાડી અહેમદભાઇને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. અહેમદભાઇને શ્રધ્ધાંજલી આપવા માટે ગુજરાતભરમાંથી કોગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં વડોદરા હરણી વિમાની મથકે આવી પહોંચ્યા હતા.

કોગ્રેસ અગ્રણીના અવસાનથી ભાવુક થયેલા કાર્યકરો કોવિડની ગાઇડ લાઇન નું પાલન કરવાનું ભૂલી ગયા હતા. જોકે, તમામ કાર્યકરો માસ્ક પહેરીને આવ્યા હતા

Next Story