વડોદરા: શાળાએ જવાનું કહી 8 દિવસથી ગુમ થયેલા બાળકને માંજલપુર પોલીસ દિલ્હીથી શોધી લાવી

New Update

વડોદરા શહેરની ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાની સાઇકલ લઈ શાળાએ જવા નીકળ્યા બાદ છેલ્લા 8 દિવસથી લાપતા થઈ જતા વિદ્યાર્થીના પિતાએ માંજલપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીને દિલ્હીના મથુરાથી શોધી લાવીને માતાપિતાને સુપ્રત કર્યો હતો.


વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રણજીત કુમાર પરમાર ડ્રાઇવિંગ કરી પરિવારનું જીવન નિર્વાહ ગુજારે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. જેમાં મોટો દીકરો 15 વર્ષીય ધ્રુઆંશ ડભોઇ રોડ ઉપર આવેલી જેનીથ સ્કૂલ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત 23 નવેમ્બરે શાળાએ જવાનું કહી અને ધ્રુઆંશ સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો અને શાળાએ પણ પહોંચ્યો ન હતો. પરિવારજનોએ વિદ્યાર્થીના મિત્રોની પૂછપરછ કરી હતી પણ કોઈ પત્તો મળ્યો ન હતો.

માંજલપુર પોલીસ મથકે પિતાએ બાળક ગુમ થયાની ફરિયાદ આપતા પોલીસે બાળકની શોધખોળ આરંભી હતી. જ્યાં ટેક્નિકલ સોર્સથી બાળક ઘર છોડી ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ધો 10માં નપાસ થઈ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હતું અને ઘરેથી સ્કૂલ જવાના બહાને નીકળી ગયો હતો. માંજલપુર પોલીસમાં બે કોન્સ્ટેબલ મનોજ સોનવને અને વિનોદ દ્વારા દિલ્લી મેરઠ પહોંચી ગયેલા આ બાળકને પરત લઈ આવામાં મોટી સફળતા મળી છે. ગુમ થયેલા બાળકને પરત વડોદરા લાવી પરિવારને સોંપતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.