Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાન કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ બાદ ભાગદોડ, અમેરિકી દૂતાવાસ પાસે થયો મોટો ધડાકો

અફઘાનિસ્તાન કાબુલ એરપોર્ટ પર ફાયરિંગ બાદ ભાગદોડ, અમેરિકી દૂતાવાસ પાસે થયો મોટો ધડાકો
X

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાબુલ એરપોર્ટ. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ સ્થિતિ બગડી છે. ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર મચેલી ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. આ ઉપરાંત કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે ધડાકા થયા હોવાના પણ અહેવાલ છે. હાલ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પોતાના કબ્જામાં લીધુ છે અને 6000 સૈનિકો ઉતારવાની તૈયારીમાં છે. આ બાજુ ભારતની અધ્યક્ષતામાં આજે UNSC ની બેઠક યોજાવવાની છે.

કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે બે મોટા ધડાકા થયાના રિપોર્ટ્સ છે. આ ધડાકામાં કોઈના ઘાયલ કે માર્યા ગયા હોવાની હજુ સુધી જાણકારી મળી નથી. અમેરિકાએ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહ્યું છે. આ સાથે જ કાબુલ એરપોર્ટ બહાર પણ ફાયરિંગ થયું છે. જેના કારણે એરપોર્ટ પર આગ લાગી ગઈ.

ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. કાબુલ એરપોર્ટથી જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે તેમાં સ્થિતિ ખુબ ભયાનક જોવા મળી રહી છે. એરપોર્ટ પર બસ સ્ટેન્ડ જેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચી રહ્યા છે. એરપોર્ટ પર સુરક્ષા જેવું કશું નથી.

અમેરિકા પોતાના લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે. કાબુલ એરપોર્ટ પર હાલાત બગડતા જોતા અમેરિકાએ એરપોર્ટને પોતાના કબ્જામાં લીધુ છે. અમેરિકી વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલમાં હામિદ કરઝઈ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. અમેરિકા સંપૂર્ણ રીતે એર ટ્રાફિક કંટ્રોલને સંભાળશે. સિક્યુરિટીનો વિસ્તાર કરતા 6000 સૈનિકો ત્યાં ઉતારવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ મિશન ચાલુ છે.

અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ જોતા આજે સવારે 10 વાગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની એક બેઠક થવાની છે. આ બેઠકની અધ્યક્ષતા ભારત કરશે. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.

તાલિબાને બગરામ એરબેસ ઉપર પણ પોતાનો કબ્જો જમાવી લીધો છે. કહેવાય છે કે આ એરબેસની સુરક્ષામાં તૈનાત અફઘાન સેનાએ તાલિબાની આતંકીઓ સામે સરન્ડર કરી દીધુ છે. આ એરબેસ પર મોટી સંખ્યામાં કેદીઓ પણ રાખવામાં આવ્યા છે. એક સમયે આ એરબેસ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૌથી મોટું સૈનિક ઠેકાણું હતું.

Next Story