Connect Gujarat
ગુજરાત

સુરત: બ્રિજ ઉપર કાર ચાલકે સર્જ્યો અકસ્માત, મહિલા-પુરૂષ 30 ફૂટ નીચે પટકાયા

સુરત: બ્રિજ ઉપર કાર ચાલકે સર્જ્યો અકસ્માત, મહિલા-પુરૂષ 30 ફૂટ નીચે પટકાયા
X

રવિવારે મોડી રાત્રે ડીંડોલી બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોનાં મોત

સુરતમાં રવિવારે રાત્રિનાં સમયે ઓવરટેકની લ્હાયમાં કાર ચાલકે ડીંડોલી નવાગામ બ્રિજ પર ત્રણ મોટરસાઇકલને અડફેટે લીધી હતી. જેમાં 3 લોકોનાં મોત અને 3ને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકોમાં એક જ પરિવારના માતા, પિતા અને પુત્રીનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મહિલા અને પુરૂષ પુલ પરથી ઉછળીને 30 ફૂટ નીચે પટકાયા હતા.

સુરત શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધવા છતાં પોલીસ દ્વારા વાહનોની ઝડપ પર કોઈ કંટ્રોલ રખાતો નથી. જેના કારણે 1 જુલાઈનો રવિવાર ગોઝારો સાબિત થયો હતો. જેમાં ગોડાદરાના ખોડિયારનગરમાં રહેતા દિવ્યેશ અગ્રવાલ નામના પ્રોપર્ટી ડિલરે રવિવારે ડિંડોલીના નવાગામ બ્રિજ પર આવા જ બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો.

બ્રિજ ઉપર ઓવરટેકની લ્હાયમાં મિત્સુબિસી પજેરો ગાડી નંબર જીજે-5-જેએન-6285નો ચાલક બેફામ ઝડપે ઓવરટેક કરવા ગયો હતો. આ દરમિયાન ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. તેમાં ત્રણ જણા તો ફ્લાયઓવર પરથી 30 ફૂટ જેટલાં નીચે પડ્યા હતા. જેમાંથી બેના મોત થયા હતા. જ્યારે એક છોકરી અકસ્માતના સ્થળે મૃત હાલતમાં પડેલી હતી. ત્રણને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. નજરે જોનારા લોકોનું માનીએ તો પજેરો કારનો ચાલક પીધેલી હાલતમાં હતો અને અકસ્માત થતાં ત્રણ લોકો કારમાંથી ઉતરીને ભાગ્યા હતા.

જુદી-જુદી દિશામાં ભાગતા લોકો અસમંજસમાં પડી ગયા હતા. મૃતકોમાં પતિ સાવરમલ ભગીરથરામ શર્મા, પત્ની ગૌરીદેવી સાવરમલ શર્મા અને દીકરી રૂકમા સાવરમલ શર્મા (તમામ રહે. શ્યામ વાટિકા, ડિંડોલી)નો સમાવેશ થાય છે. ઘવાયેલા લોકોમાં નારેશ્વર પાટીલ (ઉંમર 25 વર્ષ, કડોદરા), રાજેશ કેવટ (45 વર્ષ, સુમન આવાસ, ડિંડોલી) અને અન્ય એકનો સમાવેશ થાય છે. ઘટના સ્થળેથી પજેરો ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોએ બેને સિવિલમાં દાખલ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પજેરો ગાડી કોઈ પોલીસ પરિવારની છે. ઘવાયેલા ત્રણમાં બેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

Next Story