અમદાવાદ : ઘરઘાટી બની ઘરમાં જ ધાપ મારતી રાજસ્થાની ગેંગ ઝડપાઇ

અમદાવાદમાં ઘરઘાટી તરીકે રહી મકાનમાં ધાપ મારીને ફરાર થઇ જતી રાજસ્થાની ગેંગના સાત સાગરિતોને પોલીસે ઝડપી પાડયાં છે. આ તમામ આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે.
શહેરમાં લોકોના ઘરમાં ઘરઘાટી તરીકે રહી ચોરી કરી ફરાર થઇ જતા રાજસ્થાનના એક જ પરિવારના સાત સભ્યોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજસ્થાનથી આ પરિવારના લોકો અમદાવાદ અને અન્ય શહેરમાં જતા હતા ઘરના માલિકને એક ડમી સીમકાર્ડવાળો ફોન નંબર આપતા હતા. ચોરી કર્યા બાદ ફરાર થઈ જતા હતા અને નંબર બંધ કરી કાર્ડ ફેંકી દેતા હતા. પોલીસે તેઓ પાસેથી મોબાઈલ,દાગીના સહિતનો 5 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં રાજસ્થાની ઘરઘાટીઓ રાખવામાં આવે છે. ત્યારે ઘટઘાટી રાખનાર ઘરમાલિકો તેમની સંપૂર્ણ વિગતો પોલીસને આપે તે જરૂરી બને છે. આરોપીઓ ઘરઘાટી તરીકે કામ કરવા રાજસ્થાનથી અમદાવાદ આવતા અને ખુલ્લા ઝૂંપડામાં રહેતા હતા. અમદાવાદનું કોઈ સરનામું મકાન માલિકને તેઓએ આપ્યું ન હતું. આરોપીઓને વધુ પૂછપરછ માટે જે તે પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ હકીકત સામે આવી શકે છે.