અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજય મંત્રીએ યોજી બેઠક

New Update
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજય મંત્રીએ યોજી બેઠક

સ્કૂલ વર્ધી સંચાલકો સાથેની બેઠકને પગલે સ્કૂલ વર્ધી સંચાલકોની હડતાળ સમેટાઇ

આવતીકાલથી સ્કૂલ વાનો / સ્કૂલ રીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ થશે

બાળકોની જિંદગી સાથે ચેડાં થાય તેને રાજય સરકાર ચલાવી લેવા માંગતી નથી. ગૃહ રાજય મંત્રી પ્રદીપસિહ જાડેજા

છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલ વર્ધીના વાન રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજય મંત્રીએ બેઠક યોજી હતી.બેઠકમાં સ્કૂલ વર્ધી સંચાલકોને નડતાં પ્રશ્નો અને તેના વ્યવહારુ ઉકેલ લાવવાની દિશાના પગલાં બાબતે સફળ વાટાઘાટો થઈ હતી. જેના પગલે આવતીકાલથી સ્કૂલ વર્ધી વાન રીક્ષાઓ રાબેતા મુજબ બાળકોને શાળાએ લઈ જવાનું શરૂ કરશે.

ગૃહ રાજય મંત્રી પ્રદીપસહી જાડેજાએ જણાવ્યુ કે રાજય સરકાર બાળકોની જીદંગીને અગત્યની સમજે છે અને બાળકોની જીદંગી સાથે ચેડાં થાય તેને કોઈકાળ ચલાવી લેવા માંગતી નથી.

ગૃહ મંત્રીએ સ્કૂલ વર્ધી સંચાલકો સાથે બાળકોના હિતમાં કાર્ય કરવા અપીલ કરી સ્કૂલ વર્ધી સંચાલકોની વાહનોના રજીસ્ટ્રેશન પાર્સિંગ ઝડપથી થાય તેમજ ખાનગીમાથી ટેક્સી વાહનમાં કન્વર્ટ કરવાની સમય મર્યાદા વધારવાની માંગણીઓ પરત્વે સરકાર હકારાત્મક છે અને તે બાબતે આરટીઓના કાયદાની મર્યાદાઓ રહીને સ્કૂલ વર્ધી સંચાલકોની મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપી હતી.

ગૃહમંત્રીએ સ્કૂલ વર્ધી યુનિયનને તેમના સ્કૂલ વર્ધી વાન રીક્ષા ચાલકોને સમજાવવા તથા કાયદા મુજબ જરૂરી રજીસ્ટ્રેશન કરાવવા સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધમેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે પણ રાજય સરકારના સહકારની સરાહના કરી જરૂરી સહકારની ખાતરી આપી હતી.

આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા પોલીસ કમિશનર મોહન ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મોથલિયા. વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ તથા સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.