દંડની માતબર રકમે તોડી ઉઘોગોની કમર

દંડની રકમને કોન્ટ્રીબ્યુશન તરીકે લેવાની ઉઠી માંગ
જીપીસીબીની બેધારી નિતિઓથી ઉદ્યોગોના ખસ્તા હાલ
કંપનીની કિમંત કરતાં પણ વધારે હોય છે દંડની રકમ
વિદેશી કંપનીઓ નિકાસકારો પાસે માંગે છે પર્યાવરણની વિગતો
અંકલેશ્વર, પાનોલી અને વાપી સહિતની જીઆઇડીસીના ઉદ્યોગોને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થવાનો ડર સતાવી રહયો છે. પ્રદુષણના મુદ્દે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અખ્તયાર કરેલા કડક વલણને પગલે ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયાં છે પણ તેમની હાલત પાડાના વાંકે પખાલીને ડામ જેવી થઇ છે. જીપીસીબીનું માનીતા ઉદ્યોગો પ્રત્યુનું કુણુ વલણ પ્રદુષણને ડામવામાં નિષ્ફળ રહયું હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ કંપનીની કુલ કીમંત કરતાં પણ દંડની રકમ વધારે હોવાથી ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહયો છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ છેલ્લા ઘણા દિવસોથી વિવાદોના વમળમાં સપડાયું છે. ક્રિટીકલ ઝોનમાંથી બહાર નીકળ્યાં બાદ ઉદ્યોગોએ જોયેલા સ્વપનાઓ પર જીપીસીબીએ ઠંડુ પાણી રેડી દીધું છે. હવા, પાણી તથા જમીનના વધી રહેલાં પ્રદુષણ પર લગામ કસવામાં જીપીસીબી નિષ્ફળ રહેતાં તેના માઠા પરિણામો ઉદ્યોગો ભોગવી રહયાં છે. અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની વાત કરવામાં આવે તો અહીંના ઉદ્યોગોને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થવાનો ડર સતાવી રહયો છે. પ્રદુષિત થયેલા જળ સહિતના અન્ય સ્ત્રોતને ફરીથી બહાલ કરવા માટે હાલ ઉદ્યોગો પાસેથી 25 લાખ રૂપિયાથી લઇ એક કરોડ રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવી રહયો છે. દંડની રકમ માતબર હોવાથી નાના ઉદ્યોગકારોની કમર તુટી ગઇ છે. પર્યાવરણની જાળવણી માટે તેઓ કટીબધ્ધતા તો દર્શાવી રહયાં છે પણ સાથે સાથે સરકાર પાસે કેટલીક માંગણીઓ કરી રહયાં છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વર અને પાનોલી કલસ્ટરના ઉદ્યોગોએ ભાગીદારીથી પાણીના નિકાલ સહિતના અનેક પ્રોજેકટને સાકાર કર્યા છે. બંને જીઆઇડીસીના ઉત્પાદનોની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. વિદેશી કંપનીઓ ઓર્ડર આપે છે ત્યારે ઓર્ડર લેનારી કંપનીને પર્યાવરણના મુદે કોઇ દંડ થયો છે કે નહિ તેની વિગતો માંગતી હોય છે. એનજીટીના આદેશ બાદ અત્યારે ઉદ્યોગો સામે દંડનીય કાર્યવાહી થઇ રહી છે ત્યારે આ ઓર્ડર ફોર્મમાં રહેલી આ કોલમ ભરવાથી સ્થાનિક ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થાય તેવી પુરેપુરી શકયતા છે. જેથી સરકાર ઉદ્યોગો પાસેથી લેવાતી દંડની રકમને કોન્ટ્રીબ્યુશન તરીકે ગણે તેવી માંગણી છે.
જીપીસીબીની કડક કાર્યવાહીના પગલે ઉદ્યોગકારોની છબી ખરડાઇ રહી છે ત્યારે આ બાબતે મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પણ ઉદ્યોગપતિ પર્યાવરણને નુકશાન થાય તેમ ઇચ્છતો નથી. સરકારે પણ ઉદ્યોગોની મદદ માટે આગળ આવવું જોઇએ અને તેમની દરેક કામગીરી સરળતાથી થાય તેવા પ્રયાસો કરવા જોઇએ.
સમગ્ર દેશમાં પ્રદુષણના મુદે ઉહાપોહ મચી રહયો છે ત્યારે તેમણે જર્મની અને સ્વીટઝરલેન્ડમાંથી પસાર થતી રયાન નદીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, એક સમયે રયાન નદીની સૌથી પ્રદુષિત નદીમાં ગણના થતી હતી પણ તેના શુધ્ધિકરણ માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો અને આજે રયાન નદીના કિનારે પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે. અને રયાન નદીના કિનારે ભોજન લેવા માટે બે કલાક સુધી તો રાહ જોવી પડતી હોય છે. આપણા દેશમાં પણ જળસ્ત્રોતને શુધ્ધ કરવા આવો પ્રયાસ થઇ શકે છે.
બીજી તરફ અંકલેશ્વર તથા અન્ય શહેરોમાં વધી રહેલા પ્રદુષણ બાબતે અમદાવાદના પર્યાવરણવિદ હિતેશ સોલંકી જણાવે છે કે, અત્યારે હવા તથા પાણીના પ્રદુષણનું પ્રમાણ સૌથી વધારે છે. પ્રદુષણ માટેનું ત્રીજુ પરિબળ છે કેમિકલ વેસ્ટના ડમ્પીંગ માટે ઘટી રહેલી જગ્યા