નવસારી : વેગણિયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક પરિવારોનો સંપર્ક તૂટ્યો, બાગાયતી પાકોને નુકશાન

0

છેલ્લા 3 દિવસથી નવસારી જીલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે વેગણિયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે બંધરા વિસ્તારના 150થી વધુ પરિવારો સંપર્ક વિહોણા થયા છે. ઉપરાંત બાગાયતી પાકો પણ પાણીમાં ડૂબ્યા હોવાની અમલસાડના ગામવાસીઓ રજૂઆત કરી રહ્યા છે.

નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે વેગણિયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણદેવી શહેરના બંધરા વિસ્તારના 150થી વધુ પરિવારો સંપર્ક વિહોણા બન્યા છે. તો બીજી તરફ બહાર નીકળવાના માર્ગ પર આવેલ રેલ્વે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોનો સંપર્ક તૂટી ગયો છે. અહીના સ્થાનિકો માટે આવશ્યક ચીજવસ્તુઓ પણ લેવા જવા માટેનો માર્ગ બંધ થઈ ગયો છે. ધંધા-રોજગાર પણ ખોરવાઈ જતા લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે.

નવસારી જિલ્લાની જીવાદોરી ગણાતા બાગાયતી પાકો પણ પાણીમાં ડૂબ્યા હોવાની રજૂઆત અમલસાડ પંથકના ગામવાસીઓ કરી રહ્યા છે. રેલ્વે કોરિડોરને લઈને કરવામાં આવેલ માટી પુરાણ થતા ખેડૂતોની ચીકુ અને કેરીની વાડીમાં વરસાદી પાણી ભરાયાનો સીધો આક્ષેપ ગામના લોકો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ પુર આવ્યુ હોય તેવું પાણી ફરી વળતાં પાકને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે આજ દિન સુધી ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન આવતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here