/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-202.jpg)
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત ગુજરાતમાં ૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ મતદાન યોજાનાર છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્રે કરેલ તૈયારીઓનો ચિતાર માધ્યમકર્મીઓને મળી રહે તે માટે પંચમહાલ જિલ્લાના કલેક્ટર અને જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે મતદાન માટે તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૮-પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ૭ વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા માટે ૧૦,૭૩૦ જેટલા પોલિંગ સ્ટાફનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૧૪૬ બૂથ ઉપર એસ્યોર્ડ મિનિમમ ફેસીલિટી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ છે. ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું હતું કે મોરવા (હ)ના અમુક ભાગોમાં વોટર સ્લીપમાં મતદાનની તારીખ ખોટી છપાઈ હતી જેના કારણે નવેસરથી ફોટો સ્લીપ છપાવીને વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ૨૧૪૬ બૂથો માટે ઈવીએમની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે તેમજ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં અનામત ઈવીએમ છે જે મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપી દેવાયા છે અને ઈવીએમનું રેન્ડમાઈઝેશન પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
ઈવીએમના રિસીવિંગ અને ડિસ્પેચિંગની તૈયારીઓ થઈ ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે ૩૧૪ જેટલા ઝોનલ ઓફિસરો સહિત તમામ પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. નિરીક્ષકો દ્વારા માઈક્રો ઓબ્ઝવર્સને પણ તાલીમ આપવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર વિષે માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે છબનપુર કોલેજમાં મતગણતરી હાથ ધરાશે અને તેના દરેક સ્ટ્રોંગરૂમ ઉપર સીસીટીવીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોલેજના જ એક ખંડમાંથી બધા કેમેરા પર નજર રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આચારસંહિતા ભંગ અને ચૂંટણીને લગતી ફરિચાદો બાબત માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી હેલ્પલાઈન- ૧૯૫૦ અને સી-વિજિલ પર કુલ ૫૫ ફરિયાદો મળી છે જે પૈકી ૯ ફરિયાદો ડ્રોપ કરવામાં આવી છે, જ્યારે ૪૬ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉમેદવારોના ખર્ચને લગતા ત્રણેય નિરીક્ષણો પૂર્ણ થઈ ચૂક્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાછલી ચૂંટણીની જેમ આ વખતે પણ સાતેય વિધાનસભા મત વિસ્તારોમાં ૭ મતદાન મથકો પરનો સંપૂર્ણ સ્ટાફ મહિલાઓનો રહેશે તેમજ દરેક એસીમાં એક મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત રહેશે. ૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કુલ ૩૭૨૫ દિવ્યાંગ મતદારો છે જે પૈકી ૧૪૫ મતદારોએ વ્હીલચેરની માંગ કરી છે જ્યારે ૫૫૪ મતદારોએ સહાયકોની અને ૧૨૭ મતદારોએ પીક-અપની વ્યવસ્થાની માંગ કરી છે.
તેમણે ઉમેર્યુ હતું કે મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં સશસ્ત્ર દળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૩૮ શેડો એરિયા છે જ્યાં મોબાઈલ ટાવર પકડાતા નથી. આવા ૨૨ શેડો એરિયામાં VHF-વોકીટોકી સેટની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. તેમણે તા.૨૩મી એપ્રિલે શાંતિપૂર્ણ મતદાન થાય તેવી આશા સાથે દરેક મતદારને મતદાન કરવાની વિનંતિ કરી હતી.