Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અંકલેશ્વરમાં અનેક વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાના બનાવો બન્યા, તંત્ર પ્રત્યે લોકોમાં રોષ

ભરૂચ : અંકલેશ્વરમાં અનેક વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાના બનાવો બન્યા, તંત્ર પ્રત્યે લોકોમાં રોષ
X

અંકલેશ્વર શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદની સાથે સાથે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો હતો જેને લઇને કેટલાક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની હતી, ત્યારે અંકલેશ્વરના ચોકસી બજારમાં આવેલ એક બંધ મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીવાલ ધરાશાયીની ઘટના સમયે ઘટના સ્થળ ઉપર કોઈ પણ હાજર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અંકલેશ્વરના ગોયા બજારમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક મહિલાનું મોત નિપજયું હતું. ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વરના ચોકસી બજારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુની શરૂઆતની પહેલા શહેરમાં સર્વે કર્યા બાદ જર્જરિત તેમજ ભયજનક મકાનોને વહેલી તકે ઉતારી લેવા અને સમારકામ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે ફક્ત નોટિસ ફટકારીને નગરપાલિકા દ્વારા સંતોષ માની લેવામાં આવતા ચોમાસાની ઋતુમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની રહી છે.

તો બપોર બાદ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ શાયોના રેસિડેન્સીની દીવાલ (પ્રોટેક્શન વૉલ) ધરાશાયી થવાની ઘટના બની હતી. છેલ્લા ઘણા સમયથી રહીશો દ્વારા બિલ્ડરને રજુઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેની મરમ્મત નહીં કરવામાં આવતા શાયોના રેસિડેન્સીના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે બપોર બાદ એકાએક દીવાલ ધરાશાયી થવાની ઘટનાના પગલે એક સમયે રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અંકલેશ્વર શહેરમાં હજુ પણ કેટલાક જર્જરિત મકાનો અને ઈમારતનો સમાવેશ થાય છે, જેને નગરપાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં તો આવે છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાનો અડીખમ ઉભા છે, ત્યારે હવે નગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Next Story