/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-67.jpg)
મોરબીમાં યુવતી ઉપર દુષ્કર્મ ગુજારીને તેની હત્યા કરી નાખનાર નરાધમની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે આ સાથે આરોપીએ એવી કબૂલાત પણ આપી છે કે બાંધકામની સાઇટ ઉપર કોઈ ન હોય તકનો લાભ લઈને તેને યુવતી ઉપર બળાત્કાર ગુજારી તેને ગળાટૂંપો દઈને મારી નાખ્યા બાદ ઓળખ ન મળે તે માટે મૃતદેહને સળગાવી નાખ્યો હતો.
મોરબીના સર્કિટ હાઉસ પાછળ મહારાણા પ્રતાપ સોસાયટી જવાના રસ્તે એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાંથી એક અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝને તપાસ આદરતા આ યુવતી કેપાબેન પંકેશભાઈ મુણીયા હોવાનું ખુલ્યુ હતું. બાદમાં મૃતક યુવતીના માતા કમલાબેન રમેશભાઈ મેંડાએ બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે કડીયા કામ કરતો રવિ દલવાડી કેપાબેન અને તેમની પુત્રીને મજૂરી માટે લઈ ગયો હતો. બાદમાં સાંજના સમયે તે કેપાબેનની પુત્રીને પરત મૂકી ગયો હતો. જો કે કેપાબેન પરત ન આવતા તેમણે આ અંગે પૂછ્યું તો રવી દલવાડી ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.
આ ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસે રવિ દલવાડી સામે ગુનો નોંધીને તેને પકડી પાડ્યો છે. બાદમાં પ્રાથમિક પૂછપરછમા રવિ દલવાડીએ પણ કબુલાત આપી છે કે તેને બાંધકામ સાઇટ ઉપર કોઈ ન હોય તકનો લાભ ઉઠાવીને કેપાબેન ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ભાંડો ફૂટવાની બીકે ગળાટૂંપો દઈને તેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ તેની ઓળખ ન મળે તે માટે કેપાબેનના ચહેરા સહિતના ભાગને સળગાવી નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મૃતક યુવતી પરિણીત છે. તે મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના પાંચપીપળા ગામની રહેવાસી છે. તે આઠ દિવસ પૂર્વે જ તેના માતાના ઘરે આટો દેવા આવી હતી. તેના માતા પિતા છેલ્લા 8 વર્ષથી મોરબીમાં રહે છે.ત્યારે યુવતીના આવા કમોત થી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.