Connect Gujarat
Featured

અમદાવાદ : ખોટના ખાડામાં ધકેલાઇ BRTS બસ સેવા, જાણો કેટલી છે રોજની આવક..!

અમદાવાદ : ખોટના ખાડામાં ધકેલાઇ BRTS બસ સેવા, જાણો કેટલી છે રોજની આવક..!
X

અમદાવાદ શહેરમાં BRTS બસ સેવા પણ ફડચામાં ગઈ હોય તેમ વર્તાઇ રહ્યું છે. સામાન્ય દિવસોમાં રોજના 1.50 લાખ પેસેન્જર અને 20 લાખ રૂપિયાની આવક ધરાવતી BRTS બસ સેવાની સ્થિતિ કંઇક અંશે સુધરી છે, છતાં કોરોનાના ડરથી દરરોજના માંડ 60,000 પેસેન્જર મળી રહ્યા છે. જેના કારણે રોજની આવક રૂપિયા 8 લાખ થતાં રોજેરોજ રૂપિયા 12 લાખ અને દર મહિને રૂપિયા 3.60 કરોડનો જંગી ફટકો પડી રહ્યો છે.

કોરોના મહામારીમાં અનેક રોજગાર-ધંધાર્થી લોકોને આર્થિક અસર થઈ છે. ટ્રાવેલિંગમાં પણ લોકો હવે જવાનું ટાળતા હોય છે, ત્યારે ચાલુ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના 6 મહિનામાં જ અમદાવાદની BRTS બસ સેવા રૂપિયા 20 કરોડના ખોટના ખાડામાં ધકેલાઇ ગઇ હતી. જેના કારણે BRTS બસ સેવામાં જોરદાર નાણાંકીય કટોકટી ઊભી થતાં નવા ઈ-બસ પ્રોજેક્ટ પર માઠી અસર પડી છે. ગત તા. 1 ઓગસ્ટે કોરોના મહામારીના પગલે મ્યુનિ. તંત્ર દ્વારા જાહેર કરાયેલા ફોર્સ મેજર હેઠળ રૂપિયા 1200 કરોડના વિભિન્ન પ્રોજેક્ટને પડતા મુકાયા હતા.

જેમાં કેન્દ્રની સબસિડી વગરની 300 ઈ-બસના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરાયો હતો. સપ્ટેમ્બર-2019માં BRTSના સત્તાવાળાઓએ સબસિડી વગરની 300 ઇ-બસના 10 વર્ષના કોન્ટ્રાક્ટને લીલી ઝંડી આપીને ભારે વિવાદ વહોરી લીધો હતો. જેમાં ટાટા કંપનીને 10 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ પેટે બસ ચલાવવા પ્રતિ કિ.મી.એ 61 રૂપિયાનો ભાવ નક્કી કરાયો હતો, જેમાં કેન્દ્રની પ્રતિ બસ રૂપિયા 45 લાખની સબસિડી ગુમાવવી પડી હતી. જોકે આ કોન્ટ્રાક્ટ રદ્દ થવાથી BRTS બસ સેવાનું 10 વર્ષનું રૂપિયા 1200 કરોડનું ભારણ ઓછું થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Next Story