અમદાવાદ : કાર-બાઇક-રીક્ષા વચ્ચે સર્જાયેલ ટ્રિપલ અક્સ્માતમાં એક વ્યક્તિનું મોત

New Update

અમદવાદમાં અકસ્માતના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતોમાં ઘટાડો થાય તેના માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહયા છે, ત્યારે લોકોમાં વાહન ચલાવવા માટે નિયમોનું પાલન કરવામાં આભાવ રહેતો હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં ટ્રિપલ અક્સ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એક કાર, ઓટો રીક્ષા અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજા પહોચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મોટેરા સ્ટેડિયમ નજીક એક કાર ચાલકે રીક્ષા અને બાઈક ચાલકને હડફેટે લીધા હતા. જેમાં કારચાલક પૂર ઝડપે કાર ચલાવીને આવતા રીક્ષા ચાલક અને બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ ઘટનામાં રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. બાઈક ચાલક ત્યાં ગંભીર રૂપે ઘાયલ થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતા કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે, કાર ચાલકે ખૂબ જ વધારે ઝડપથી કાર ચલાવીને આવતો હતો અને ચાર રસ્તા પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ કાર ચાલક કાર મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા કારના નંબર પરથી કાર ચાલકની તપાસ કરવામાં આવી રહી છે. તો વધુમાં સ્થાનિકોએ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હાલ તો સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી કાર ચાલકની તપાસ શરૂ કરવામાં આવી છે.