ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા “શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ” અને “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”નો અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હેઠળ અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક બાળકોમાં ગંભીર રોગોનું નિદાન કરી સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે.
કોઈ પણ સમસ્યાને પ્રારંભિક તબક્કે જ ઓળખી લેવામાં આવે તો તેનો ઉકેલ આસાન બને છે. રોગને પણ આ જ બાબત લાગુ પડે છે. કોઈપણ રોગનું નિદાન પ્રારંભિક તબક્કે થાય તો દર્દીના જીવનું જોખમ ઘટી જાય છે. આ અભિગમને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાળકો અને કિશોરોની આરોગ્યની સંભાળ માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' અમલી છે. આ યોજના હેઠળ નવજાત શિશુથી લઈ 18 વર્ષ સુધીના કિશોરોને આવરી લેવામાં આવે છે. મહત્વનું એ છે કે, આ કાર્યક્રમમાં શાળાએ જતા હોય તેવા બાળકો ઉપરાંત શાળાએ ન જતા હોય તેવા બાળકોને પણ આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય સંભાળની આ અભૂતપૂર્વ પહેલ હેઠળ બાળકોના સ્વાસ્થ્ય સંબંધિત 37 બાબતોની તપાસ કરી સારવાર કરવામાં આવે છે.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દર 6 મહિને આંગણવાડીઓમાં અને દર વર્ષે શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસ કરે છે. કાર્યક્રમમાં દર વર્ષે 1 કરોડ 60 લાખથી વધુ બાળકોને આવરી લેવામાં આવે છે. કોકલિયર ઈમ્પ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવા ગંભીર રોગોથી ગ્રસ્ત બાળકોની મફત તપાસ અને સર્જરી કરવામાં આવે છે. લગભગ અઢી દાયકાથી આ કાર્યક્રમ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અમલી છે. વર્ષ 2010માં "શાળા આરોગ્ય સપ્તાહ"માં સમાવેશ થયા બાદ આ કાર્યક્રમનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. વર્ષ 2014માં, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે તેનું એકીકરણ કર્યા બાદ 992 વિશિષ્ટ મોબાઇલ હેલ્થ ટીમો પણ બનાવવામાં આવી છે. આમ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સહયોગથી બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓની સમયસર ઓળખ અને નિદાનની પ્રક્રિયા વધુ સુદ્રઢ બની છે.