મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કર્યા છે. આ ઉપરાંત તેમણે સોનાની સાવરણીથી કચરોવાળી પહિંદવિધિ કરી ત્રણેય રથને પ્રસ્થાન કરાવ્યું છે.
સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાલ ટ્રક સહિત હાથી વગેરે મંદિરેથી પ્રસ્થાન કરી ચૂક્યાં છે. ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને બળભદ્રજીના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા અને સાથે જ ભગવાનને પ્રિય ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જગન્નાથ મંદિર પહોંચ્યા છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ સહિત ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે.