Connect Gujarat
અમદાવાદ 

વરસાદે' અમદાવાદને ફરી ધમરોળ્યું, માર્ગ પર જળ બંબાકાર, તો અનેક સોસાયટીમાં ભરાયા ઘૂંટણસમા પાણી

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગત શનિવારે સાંજથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

X

અમદાવાદમાં ગત શનિવારે સાંજથી વરસેલા ધોધમાર વરસાદે શહેરને ફરી એકવાર ધમરોળ્યું છે. શહેરના મુખ્ય માર્ગ તેમજ કેટલીક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગત શનિવારે સાંજથી જ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના બીજા રાઉન્ડમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ પોણા સાત ઇંચ જેટલો વરસાદ રખિયાલ, સિટીએમ અને ગોમતીપુર સહિતના વિસ્તારમાં પડ્યો હતો. અવિરત વરસાદ વરસતા રખિયાલમાં આવેલ અજિત મિલ ચાર રસ્તા વિસ્તારના મુખ્ય માર્ગ પાણી પાણી થયા છે.

જોકે, ભારે વરસાદના કારણે રખિયાલ વિસ્તારના લોકો સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 40 વર્ષથી વરસાદી પાણી ભરાવાની આ સમસ્યા "જેસે થે"ની સ્થિતિમાં જ છે. સ્થાનિકોએ પણ આ મામલે મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં આજદિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ, સતત વરસદના કારણે અમદાવાદના સિટીએમ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના મકાનો પણ પાણી ડૂબ થયા હતા. લોકોના મકાનમાં ઘૂંટણસમા પાણી ભરાય જતાં ઘરવખરીને મોટું નુકશાન પહોચ્યું છે. ગત રાત્રે 12 વાગ્યાથી આજ પરિસ્થિતી હોવાથી સ્થાનિકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી. જોકે, આટલા વર્ષોમાં પહેલી વાર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોનસુન કામગીર સામે પણ સવાલ ઊભા થયા છે, ત્યારે હાલ તો અહીના સ્થાનિકો દ્વારા સ્વખર્ચે ડીવોટરીંગ પંપ મૂકી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ગત શનિવારે સાંજથી શરૂ થયેલો વરસાદ બંધ થયા બાદ મોડી રાત્રે ફરી શરૂ થયો હતો. મોડી રાત્રે 10 વાગ્યા બાદ શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરની વિવિધ સોસાયટીઓ અને વાસમાંથી વરસાદી પાણીનો કોઈ નિકાલ થયો નથી. તેવામાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોનસુન કામગીર માત્ર કાગળ પર જ થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

Next Story