અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર ગૃપને ત્યાં આઇટી વિભાગનું સર્ચ પુર્ણ, જુઓ કેટલા રૂપિયાની બેનામી સંપત્તિ મળી

Update: 2020-10-13 08:46 GMT

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર્સ ગૃપને ત્યાં આઈટીના અધિકારીઓએ ગુરુવારે શરૂ કરેલું સર્ચ ઓપરેશન રવિવારના રોજ પુર્ણ થયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન 77 લાખ રૂપિયા રોકડા, 82 લાખ રૂપિયાના દાગીના તેમજ 22 બેંક લોકર અને કો-ઓપરેટિવ સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યા છે.

અમદાવાદના પોપ્યુલર બિલ્ડરને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન કાંકરિયા મણિનગર કોઓપરેટીવ બૅન્ક, મહેસાણા અર્બન કોઓપરેટીવ બૅન્ક, અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક, સુરત જિલ્લા સહકારી બૅન્ક, બૅન્ક ઓફ મહારાષ્ટ્ર સહિતની બૅન્કોના સહી કરેલા ચેેકોનો મોટો જથ્થો મળી આવ્યો છે. કેટલીક ચૅકબુકોમાં જે.વી. પટેલની સહી કરેલી હોવાનું જણાઈ રહ્યું છે. આવકવેરા વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર સુનિધિ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, કુમકુમ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, સૂર્યમુખી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, સોમેશ્વર દર્શન હાઉસિંગ સોસાયટી, શ્રી હનુમાન દર્શન કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી જેવી બારથી 13 સોસાયટીના નામની જમીનો અને ફ્લેટ્સ બેનામી નામ પર રાખવામાં આવ્યાં છે જેની તપાસ ચલાવવામાં આવી રહી છે.

પોપ્યુલર બિલ્ડર્સ ને ત્યાં અનેક ક્રેડિટ સોસાયટીના બેનામી દસ્તાવેજો મળી આવ્યા છે. 12થી 13 સોસાયટીઓની મિલકતો બેનામી હોવાનું પ્રસ્થાપિત થશે તો તેવા સંજોગોમાં તે મિલકતોને ટાંચ લગાડવામાં આવી શકે છે અને જપ્ત પણ કરવામાં આવી શકે છે. પોતાના પૈસાનું રોકાણ કરીને ડ્રાઈવર, ઘરનોકર કે પછી દૂરના સગાંને નામે મિલકત લઈને રાખવામાં આવે તો તેને બેનામી પ્રોપર્ટી તરીકે ઓળખાવવામાં આવે છે. બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ તે ગુનો ગણાય છે. બેનામી મિલકતના દસ્તાવેજોની ચકાસણી અને આકારણીની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 12થી 13 સોસાયટીઓના લિસ્ટ તૈયાર થઈ ગયા છે. આગામી દિવસોમાં વધુ સોસાયટીઓના નામ બહાર આવે તેવી શક્યતાને નકારી શકાતી નથી.

Tags:    

Similar News