ભરૂચ : સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મેડીકલ વેસ્ટ મળ્યો, કોણ નાંખી જાય છે તે તપાસનો વિષય

Update: 2020-12-09 08:24 GMT

ભરૂચની સિવિલ હોસ્પિટલના પટાંગણમાંથી મેડીકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત રહયો છે. હોસ્પિટલથી મેડીકલ કોલેજ તરફ જવાના રસ્તા પર મેડીકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો છે. સિવિલ સત્તાધીશો આ બાબતે એમ્બયુલન્સના ડ્રાયવરો પર દોષનો ટોપલો ઢોળી રહયાં છે ત્યારે મેડીકલ વેસ્ટ કોણ નાંખી જાય છે તે તપાસનો વિષય બન્યો છે.

રાજયમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. થોડા સમય પહેલાં જ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલી કચરાપેટીની બહાર જ પીપીઇ કીટ અને ઇન્જેકશનનો જાહેરમાં નિકાલ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી.  સામાન્ય રીતે હોસ્પિટલના મેડીકલ વેસ્ટનો વૈજ્ઞાનિક પધ્ધતિથી નિકાલ કરવાનો હોય છે.

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સ્થળોએથી પણ જાહેરમાં નિકાલ કરી દેવાયેલો મેડીકલ વેસ્ટ મળી આવ્યો હતો. અગાઉ બનેલી ઘટના વેળા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ એમ્બયુલન્સના ડ્રાયવરો અથવા સ્ટાફ મેડીકલ વેસ્ટ નાંખી જતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાના થોડા દિવસો બાદ ફરીથી હોસ્પિટલથી મેડીકલ કોલેજ જવાના રસ્તા પર મેડીકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો છે. મેડીકલ વેસ્ટમાં એક પીપીઇ કીટ પણ હોવાની વિગતો સપાટી પર આવી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહયો છે ત્યારે આ પ્રકારની બેદરકારી રોગચાળાને આમંત્રણ આપી શકે છે..

Tags:    

Similar News