ભરૂચ : ઝઘડીયાના ઉચેડીયાના સર્પેશ્વર મહાદેવ મંદિરના મહંતના ડ્રાયવરનું અપહરણ, ગણતરીના કલાકોમાં પોલીસે છોડાવ્યો

Update: 2021-01-13 14:22 GMT

ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના સર્પેશ્વર મહાદેવ મંદિરના મહંતના ડ્રાયવરનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. મહંતના ડ્રાયવર તથા મંદિરના અન્ય સ્વ. મહંતને વ્યારાના ઇસમે 13.80 લાખ રૂપિયા આપ્યાં હતાં. જેની ઉઘરાણી માટે ડ્રાયવરનું અપહરણ કરી લેવાયું હતું. જો કે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ડ્રાયવરને વાલીયા નજીકથી અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવ્યો હતો.


પોલીસ સુત્રીય માહિતી અનુસાર જીતેન્દ્ર ઉર્ફે ચિન્ટુ પપ્પુ જૈન ઉચેડીયા ગામે આવેલાં સર્પેશ્વર મહાદેવ મંદિરના મહંત રાજગુરૂ રાધેબાપુને ત્યાં ડ્રાયવર તરીકે કામ કરે છે. અંદાજીત દોઢ વર્ષ પહેલાં વ્યારાના કિરણ ચૌધરીએ જેસપોર ગામના મહંત ભુતનાથ બાપુ અને રાજપારડીના રહેવાસી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુને 13.80 લાખ રૂપિયા આપ્યાં હતાં. દરમિયાન છ મહિના પહેલાં મહંત ભુતનાથબાપુનું અવસાન થઇ ગયું હતું. કિરણ ચૌધરીએ ડ્રાયવર જીતેન્દ્ર પાસે નાણાની ઉઘરાણી શરૂ કરી હતી. ગત રોજ મોડી સાંજે મંદિર ખાતે ચારથી પાંચ જેટલા અજાણ્યા ઇસમો આવ્યાં હતાં. તેઓ પર શંકા જતાં જીતેન્દ્ર મહંત બાપુની ફોરચ્યુનર કાર લઇને તેમની પાછળ ગયો હતો. અને ત્યારબાદ જીતેન્દ્રનો મોબાઇલ બંધ થઇ જતાં મહંતે પોલીસને જાણ કરી હતી. દરમિયાન કિરણ ચૌધરીએ રાજગુરૂ બાપુને ફોન કરી તમારો ડ્રાયવર 13.80 લાખ રૂપિયા આપતો નથી તેથી તમે આપી દો નહિતર તેને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. ઝઘડીયા પોલીસે મોબાઇલ લોકેશનના આધારે આરોપીઓ વાલીયા પાસે હોવાનું શોધી કાઢયું હતું અને ત્યાં છાપો મારી ડ્રાયવરને મુકત કરાવી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના સંકંજામાં છ જેટલા આરોપીઓ આવી ગયાં છે અને તેમની પુછપરછ કરાય રહી છે.

Tags:    

Similar News