ભરૂચ : શિક્ષિકાએ ધાબાનું ગળતર અટકાવવા બોલાવ્યાં કારીગરો, જુઓ પછી શું થયું

Update: 2020-09-16 10:23 GMT

અંકલેશ્વર જીઆઇડીસીના કાપોદ્રા પાટિયા પાસે આવેલા સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતી શિક્ષિકાના મકાનમાંથી 3.36 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. ચોરીનો બનાવ બન્યો ત્યારે મકાનના ધાબાનું ગળતર રોકવાની કામગીરી ચાલી રહી હોવાથી કારીગરો પર શંકાની સોય ચીંધાય રહી છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં  સનાતન સ્કુલની પાછળની ભાગે સ્વસ્તિક પાર્ક એપાર્ટમેન્ટ આવેલું છે. તેના મકાન નંબર સી / 78 મકાનના લાયન્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બરખાબેન શ્યામકમલ પાંડે પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના મકાનમાં ચોમાસા દરમ્યાન પાણી ગળતું હોવાથી કારીગરોને રીપેરીંગ માટે બોલાવ્યાં હતાં. આ કામગીરી ચાલી રહી હતી તે વેળા તેમના ઘરમાં પ્રવેશેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી કુલ 3.36 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. દરમિયાન અંકલેશ્વર પોલીસે સોનાચાંદીના દાગીના વેચવા નીકળેલા કેટલાક શંકાસ્પદોની અટકાયત કરતાં તેમણે સ્વસ્તિક પાર્કમાં ચોરીની કબુલાત કરી હતી. પોલીસે મકાન માલિકનો સંપર્ક કરતાં તેમણે પોતાના ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ધાબાના ગળતરનું રીપેરીંગ કરવા આવેલાં કારીગરોએ જ ધાપ મારી હોવાની શંકા સેવાઇ રહી છે. આમ તમે પણ જયારે તમારા ઘરનું રીપેરીંગ કરાવો ત્યારે ખાસ તેકદારી રાખો તેવો આગ્રહ કરવામાં આવે છે. 

Tags:    

Similar News