ભરૂચ: કુખ્યાત ગેંગસ્ટર અને છોટા રાજન ગેંગના અનિલ કાઠીને પોલીસે ઝડપી પાડ્યો,જુઓ કેટલા ગુના નોધાયા છે

ભરૂચના પત્રકાર અને કોંગ્રેસનાં આગેવાન દિનેશ અડવાણી પર હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે

Update: 2021-10-12 07:30 GMT

ભરૂચના પત્રકાર અને કોંગ્રેસનાં આગેવાન દિનેશ અડવાણી પર હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ સુરતના કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થે શહેરના પત્રકાર અને કોંગ્રેસના અગ્રણી દિનેશ અડવાણી પર ગત 8મી ઓગષ્ટના રોજ હૂમલો કરાવ્યો હતો.મામલામાં પોલીસે જે તે સમયે તિલક હરિકૃષ્ણ પટેલ તેમજ નયન ઉર્ફે બોબડો કાયસ્થની ધરપકડ કરતાં પુછપરછમાં નયન કાયસ્થે સુરતના ખુંખાર ગુનેગાર અને છોટા રાજન ગેંગના અનિલ કાઠીને સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો.તેમજ પત્રકાર પર હૂમલાના દિવસે તિલકે અનિલ કાઠી અને તેના સાગરિતોને ભરૂચ હાઇવે પર નબીપુર પાસે આવેલી શિવકૃપા હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત તેમની સાથે દિનેશ અડવાણીની દિવસભર રેકી કર્યાં બાદ રાત્રીના સમયે ઝાડેશ્વર ચોકડીથી ઇનોવા કારમાં પીછો કરી દિનેશ અડવાણીના ઘર સુધી પહોંચી ત્યાં તેમની ઉપર જીવલેણ હૂમલો કર્યો હતો. જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓના સગડ મેળવવા અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન ભરૂચ પોલીસને બાતમી મળી હતી કે અનિલ ખીમજી રાણવા ઉર્ફ અનિલ કાઠી હૂમલામાં વપરાયેલી ઇનોવા કારમાં સૂરતથી ભરૂચ તરફ જઇ રહ્યો છે.

જેના પગલે ઝાડેશ્વર ચોકડી પર પોલીસે વોચ ગોઠવી અનિલ કાઠીને ઝડપી પાડ્યો હતો. અનિલ કાઠી વિરૂદ્ધ મારામારી, હત્યાની કોશિષ, હત્યા, લૂંટ, ધાકધમકી, આર્મસ એક્ટ, પ્રોહિબિશન સહિતના 20થી વધુ કેસ નોંધાયાં છે. જ્યારે તે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ પ્રોહિબિશનના ગુનામાં પાસાની કાર્યવાહી પણ થઇ છે.અટર ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં છોટારાજન ગેંગનો સાગરિત ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે કારમાં આવી સુરતના સિટીલાઇટ પર હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં ઘુસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી.

Tags:    

Similar News