ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર...

શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

Update: 2022-07-29 10:09 GMT

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આજથી એટલે કે, તા. 29 જુલાઇથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવની લોકો ભોળા ભાવે પુજા કરશે. સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થઇ છે. જે છેક દિવાળીના તહેવાર સુધી ચાલુ રહેશે. હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે, તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવજીના પૂજન-અર્ચનનું પણ અનેરું માહત્મ્ય રહેલું છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞ, અતિરુદ્ર યજ્ઞ, મહાઆરતી, અન્નકૂટ તેમજ બરફના શિવલિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ભક્તોમાં ભારે આકર્ષણ જમાવશે, ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન શિવ સહિતના દેવી દેવતાઓના પૂજન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News