ગુજરાતને પંજાબ બનવા પર મજબૂર ન કરો : અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એકવાર એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું..!

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.

Update: 2024-03-16 09:05 GMT

ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. તેવામાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો ફરી એકવાર વિરોધના મૂડમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામનો વિરોધ દર્શાવી કામને બંધ કરાવ્યું હતું. જેમાં દીવા ગામ સહિત આસપાસના ગામની મહિલાઓ પણ જોડાય હતી. હાલમાં જ વડોદરા-ભરૂચ વચ્ચેના એક્સપ્રેસ-વેને સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના સામે તાજેતરમાં જ જિલ્લાના 3 તાલુકાના ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.

અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યુ હતું કે, દીવા ગામના ખેડૂતોને રૂ. 852ની સહાય વળતરનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે. પરંતુ આજદિન સુધી ખેડૂતોને સહાય વળતર મળ્યું નથી. તો બીજી તરફ, હાઇવે ઓથોરીટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી છે. આ સાથે જ હાઇવે ઓથોરીટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનમાં પણ કામગીરી કરવામાં આવતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ ખેડૂત જગતે આક્ષેપ કર્યો છે. આ સાથે જ માંગ પૂરી નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાવના પગલે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ખેડૂત સમાજના આગેવાન પ્રજેશ પટેલની આગેવાનીમાં તમામ ખેડૂતો ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા હતા.

Tags:    

Similar News