અમરેલી : ચૂંટણીલક્ષી ભાવો સામે રોષ, APMCમાં કપાસના ભાવો ગગડતા ખેડૂતો ચિંતામાં મુકાયા..!

1500થી 1700 જ મળતા કાળી મહેનતની મજૂરી પર પાણીઢોળ થયો હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

Update: 2022-12-15 10:43 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા ખેડૂતો પર જાણે આફત આવી હોય તેમ APMCની જાહેર હરરાજીમાં ખેડૂતોને ખેત પેદાશોના મળતા ભાવોમાં ઘટાડો થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMCમાં કપાસના ભાવો ગગડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જેમાં ચૂંટણીલક્ષી ભાવો વધારી શોષણ થતું હોવાનો વસવસો પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું APMC સેન્ટર... ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સાવરકુંડલા અને અમરેલી APMCમાં 5 હજારથી 10 હજાર મણ સુધીના કપાસની મબલખ આવકો APMCમાં જોવા મળતી હતી, અને ખેડૂતોને પણ 2 હજારથી 2,100 સુધીના પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળતી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કપાસના ભાવો ગગડતા હાલ 3,500 મણ જેવી જ કપાસની આવક APMCની જાહેર હરરાજીમાં થઈ રહી છે, જ્યારે કપાસના ભાવો પણ રૂ. 1500થી 1700 જ મળતા કાળી મહેનતની મજૂરી પર પાણીઢોળ થયો હોવાનો વસવસો ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલા મળતા ભાવો અને અત્યારના ભાવો વચ્ચે 200થી 400 રૂપિયાનું અંતર જોવા મળતા ખેડૂતોમાં વ્યાપકપણે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ચૂંટણી પૂર્વે ખેડૂતોને આંબા-આંબલીઓ બતાવીને મતદાન પૂર્ણ થયા બાદ કપાસના ભાવો ગગડતા ચૂંટણીલક્ષી ભાવો ખેડૂતોને મળ્યા હોવાનું જણાવી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ APMCના સેક્રેટરીએ ભાવ ગગડીયા હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.

Tags:    

Similar News