બનાસકાંઠા : ડિસાની 11 વર્ષીય મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારને 'સજા એ મોત'

દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરી પર આચરાયું દુષ્કર્મ, એડિશનલ સેશન્સ કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી

Update: 2022-04-28 08:29 GMT

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નીતિન માળી નામના આરોપીને ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

ડીસામાં દોઢ વર્ષ અગાઉ શખ્સે 11 વર્ષીય મૂકબધિર કિશોરીનું અપહરણ કરી અવાવરૂ જગ્યામાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીનું શખસે 16-10-2020ના રોજ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ સગીરાનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. ડીસામાં દુષ્કર્મની ઘટનામાં ફાંસીની સજા ફટકારવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપી છે.

51મી તારીખના ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટના જજ બી.જી. દવેએ આરોપી નીતિન માળીને આ ઘટનામાં કસૂરવાર ઠેરવીને એક મૂકબધિર કિશોરીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી નિર્દયતાપૂર્વક હત્યા કરવા બદલ ફાંસીની સજા ફટકારી છે. ડીસા કોર્ટની બહાર જ આરોપી નીતિન માળીને ફાંસીની સજા કરવાનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. અંતે, કોર્ટે આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતાં મૂકબધિર કિશોરીનાં પરિવારજનો ભાવુક થઈ ગયાં હતાં. મૂકબધિર બાળાના હત્યારાને ફાંસીની સજા આપવામાં આવતાં તેમણે ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News