ખેડા : નાયકા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારા પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

Update: 2021-07-31 12:37 GMT

ગુજરાત રાજ્ય સરકારની મનરેગા યોજના અંગેની નવચેતના અન્‍વયે આજે ખેડા તાલુકાના નાયકા ગામે ઘાસચારા પ્રોજેકટનો અમલ કરાયો હતો. આ કામ મનરેગા યોજના અન્‍વયે થઇ રહયું છે. જેથી કોરોનાની મહામારીમાં જયારે નાગરિકોને રોજગારીની તકલીફ પડિ રહિ છે તે આ યોજના અન્‍વયે ગામમાં જ રોજગારી મળશે.

ગ્રામજનોને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે સાથે સાથે ગામમાં જ સામાજીક વનીકરણ થવાથી ગામની હરીયાળીમાં વધારો થશે. કોરોનામાં શુધ્ધ ઓકિસજનની તકલીક શહેરીજનોને પડતી હતી. જે આ વનીકરણના માધ્યમથી વાતાવરણમાં ઓક્સિજનનું લેવલ વધશે. વનીકરણ થવાથી ગામની જમીનનું ઘોવાણ પણ અટકશે. આ જિલ્‍લામાં આ ગામની પસંદગી થઇ છે ત્યારે સૌ ગ્રામવાસીઓએ આ યોજનામાં જોડાઇને ઉત્તમ અને નમૂનારૂપ વનીકરણનો દાખલો જિલ્‍લામાં બેસાડવાનો છે. જેમાંથી પ્રેરણા લઇ જિલ્‍લાના અન્‍ય ગામોમાં પણ આ કામગીરીને અમલી બનાવી શકાય.

આ ગામ ખાતે ઘાસચારા પ્રોજેકટ-૧ અન્‍વયે રૂ.૪,૯૫,૪૩૧/-, ઘાસચારા પ્રોજેકટ-૨ અન્‍વયે રૂા.૪,૯૭,૪૩૬/ અને સામાજીક વનીકરણ યોજાના અન્‍વયે રૂા.૪,૯૭,૬૧૧/- રૂપીયા મળી કુલ રૂા.૧૪,૯૦,૪૭૮/-ની વહીવટી રકમનો ખર્ચ થશે. આપણા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે પણ આ વાતને મહત્‍વ આપી વૃક્ષારોપણની કામગીરીને અવિરત ચાલુ રાખી છે. તેઓશ્રીએ ખેડૂતોને તેમના ખેતરના શેઢા ઉપર ફળાઉ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી.


મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, છોડમાં રણછોડના દર્શન કરતા આપણા ખેડૂત મિત્રો માટે આ ગજરાજ ઘાસની પધ્ધતિ નવી હશે. તેનો મહત્તમ ઉપયોગ કરી આપણા ગામને આદર્શ વનરાજી પુરી પાડીએ. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, નાયકા ગામના ત્રણ હેકટર ગૌચરની જમીનમાં આ ઘાસનું વાવેતર કરવામાં આવશે. આ ઘાસ સામાન્‍ય રીતે ઝડપી ઉગે છે તેમજ તે અંદાજે ૧૮ થી ૨૦ ફુટ જેટલું ઉંચુ થતુ હોય છે.

આ ઉપરાંત પશુઓને આ ઘાસ ખુબ જ અનુકુળ આવે છે તેઓને આ ઘાસ ભાવે છે તેમજ આ ઘાસના કારણે દુધાળા પશુઓ વધુ દુધ તેમજ આ દુધમાં વધુ ફેટ હોવાથી પશુપાલકોને વધુ આર્થિક લાભ થતો હોય છે. આ ઘાસ ઘર આંગણે થતુ હોવાથી ઘાસચારોનો ખર્ચ પણ ઓછો થાય છે. જો ગ્રામ પંચાયત આ ઘાસ ટોકન રૂપે વેચીને પશુપાલકોને આપે તો જે તે ગ્રામ પંચાયતને ત્રણ વર્ષ સુધી દર વર્ષે અંદાજે ૫૫થી ૬૦ લાખ જેટલી આવક થવાનો અંદાજ છે.

માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણએ જણાવ્‍યું હતું કે, નાયકા ગામમાં આ પ્રોજેકટ મળવાથી આ ગામની ઉન્‍નતિના દ્વારા ખુલશે તેમજ ગ્રામ પંચાયતની આર્થિક સધ્ધરતા પણ વધશે. જિલ્‍લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લાના દરેક તાલુકામાં આ રીતના તાલુકાને અનુકુળ જમીન અને આબોહવા મુજબ વનરાજી વધારવા માટેના કાર્યક્રમો યોજાશે. જેથી જિલ્‍લાની વનરાજીમાં વધારો થાય. તેઓશ્રીએ મનુષ્‍ય જીવન, પશુ જીવન અને પર્યાવરણ માટે વૃક્ષોનું મહત્‍વ સમજાવી વૃક્ષ ઉછેર માટે જતનથી કામ કરવા જણાવ્‍યું હતુ.

તાલુકા વિકાસ અધિકારીએ આ કામ માટે નાયકા ગામની મહત્‍વતા સમજાવી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્‍તે નાયકા ગામની ગૌચરની જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્‍લા ગ્રામ વિકાસ અધિકારીના નિયામક ઝાલા, પ્રાથમીક શાળાના આચાર્ય, પ્રા.શા.નો સ્‍ટાફ, સરપંચ, તાલુકા પંચાયત સદસ્‍યઓ, આજુબાજુના ગામોના સરપંચઓ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Tags:    

Similar News