સુરેન્દ્રનગર : સસ્તામાં લાવેલા ગેરકાયદે હથિયારો સામે ડબલ કમાણી કરતી ગેંગ ઝડપાય…

સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાંથી એટીએસ ટીમે 54 હથિયાર સાથે 24 શખ્સોને ઝડપી પાડ્યા..

Update: 2022-05-06 10:20 GMT

મધ્યપ્રદેશના ધારમાં શિકલીગર ઈશ્વર અને ત્રિલોક નામના શખ્સો ગેરકાયદેસર હથિયારો બનાવે છે, ત્યારે આ બન્ને શખ્સો વિરુદ્ધ બાવળા પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચા અને ચાંપરાજ ખાચર છેલ્લા 3 વર્ષથી આ બન્નેના સંપર્કમાં રહી તેમની પાસેથી હથિયારો મંગાવતા હતા. તેમનો કોઈ માણસ અથવા તો પોતે હથિયારો ગુજરાતમાં આપી જતાં હતા. દેવેન્દ્ર અને ચાંપરાજ 15, 20 અને 25 હજારમાં હથિયારની ખરીદી કરીને તેને 35 હજારથી 1.50 લાખ રૂપિયા સુધીમાં વહેંચતા હતા. જોકે, ઝડપાયેલા ઇસમોની પૂછપરછમાં હજુ વધુ હથિયારો સાથે ઈસમો ઝડપાવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.

સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાંથી એટીએસ ટીમે 54 હથિયાર સાથે 24 શખ્સોને ઝડપી પાડતાં ત્રણેય જિલ્લાની સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી સહિત પોલીસ ટીમો દોડતી થઈ ગઈ છે. 2 દિવસમાં વધુ હથિયારો સાથે ગેરકાયદેસર હથિયારોનો વેપલો કરનારા શખ્સો ઝડપાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લાની સ્થાનિક પોલીસ ટીમોને અંધારામાં રાખી એટીએસે ગેરકાયદેસર હથિયારોના કારસ્તાનનો પર્દાફાશ કરતા ત્રણેય જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Tags:    

Similar News