ર૮મી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેકશન કમિશનર્સ કોન્ફરન્સ સંપન્ન

Update: 2019-02-17 11:39 GMT

ગુજરાતનાં આંગણે પધારેલા મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી– વેલી ઓફ ફ્લાવર્સ - નર્મદા ડેમ સહિત વિવિધ પ્રકલ્પોની લીધેલી મુલાકાત

વિશ્વની નવિનત્તમ અજાયબી એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત બે દિવસીય ૨૮ મી અખિલ ભારતીય ચૂંટણી કમિશનરોની કોન્ફરન્સ આજે કેવડીયા સ્થિત ટેન્ટ સિટી ખાતે સંપન્ન થઇ હતી.

લોકશાહીના સુદ્રઢીકરણ અને મતદાર જાગૃત્તિ માટે સતત બે દિવસ માટેના સંયુક્ત મનોમંથન બાદ તેના સુફળ આગામી દિવસોમાં ચૂંટણી પ્રશાસનને જોવા મળશે તેવો મત વ્યક્ત કરતા, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગનાં વડાશ્રી ડૉ. વરેશ સિંહાએ દેશના ૨૨ રાજ્યોમાંથી અત્રે પધારેલા ચૂંટણી કમિશનરોનાં અમૂલ્ય સૂચનો આગામી કામગીરીમાં ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું હતું. ગુજરાતનાં યજમાનપદે આયોજિત આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે NTC દિલ્હી અને UT ચંદીગઢના સ્ટેટ ઇલેક્શન કમિશનર એસ.કે. શ્રીવાસ્તવે વિવિધ રાજ્યોનાં ચૂંટણી કમિશનરોની કોન્ફરન્સ ચૂંટણી પ્રક્રિયા માટે માર્ગદર્શક બની રહેશે, તેમ જણાવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="84737,84738,84739,84740,84741,84742,84743,84744,84745,84746,84747"]

બે દિવસીય કોન્ફરન્સના સમાપન પ્રસંગે ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર ડૉ. વરેશ સિંહાએ સૌનો આભાર વ્યક્ત કરી પુનઃ ગુજરાતની મુલાકાતે પધારવાનો અનુરોધ કર્યો હતો. વિદાય વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અર્પણ કરીને ડૉ. સિંહાએ ગુજરાતની આ મુલાકાત અહીં પધારેલા મહાનુભાવો માટે યાદગાર સંભારણું બની રહેશે તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાતનાં આંગણે પધારેલા આ ઉચ્ચાધિકારીઓએ આજે સવારે વિરાટ સરદારની વિરાટ પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વોલ ઓફ યુનિટીની જાત મુલાકાત લીધી હતી. આ વેળા સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના અધિક કલેક્ટર સંજય જોશી દ્વારા સ્ટેચ્યુ નિર્માણની તકનીકી બાબતોથી મહાનુભાવોને માહિતગાર કરાયા હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન વ્યુઇંગ ગેલેરી ખાતેથી માતા નર્મદા અને વિંદ્યાચલ – સાતપુડાની ગિરીમાળાઓના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો રમણીય નજારો માણ્યો હતો. મ્યુઝિયમમાં સરદાર સાહેબના જીવન કવનને લગતી પ્રદર્શની-લાયબ્રેરી તથા પીક્ચર ગેલેરીમાં સરદાર સાહેબનાં જીવનને આલેખતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે આ મહાનુભાવોએ માં નર્મદાનાં તટે આકાર લઇ રહેલી વેલી ઓફ ફ્લાવર્સની પણ મુલાકાત લીધી હતી. જ્યાં નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ આ પ્રકલ્પથી સૌને માહિતગાર કર્યા હતાં.

ફ્લાવર ઓફ વેલી બાદ ઉચ્ચાધિકારીઓનો કાફલો સરદાર સરોવર ડેમ તથા ભૂગર્ભ જળ વિદ્યુત મથકની મુલાકાતે પહોંચ્યો હતો. અહીં નિગમનાં અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગોએ ડેમ સાઇટની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. સમાપનના આગલા દિવસે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પ્રોજેક્શન મેપીંગ - લેસર શો / લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ આ મહાનુભાવોએ લાભ લીધો હતો.

દેશભરનાં વિવિધ રાજ્યોમાંથી પધારેલા ચૂંટણી કમિશનરોની આ કોન્ફરન્સ તથા મુલાકાત વેળા નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, કેવડીયાના નાયબ પોલીસ અધિક્ષક અચલ ત્યાગી સહિતનાં સંબંધિત વિભાગનાં અધિકારીઓ વગેરેએ સતત ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

Tags:    

Similar News