ભરૂચ : નવા સરદારબ્રિજ પર ખાડાઓએ વાહનોને મારી “બ્રેક”, સુરત જતી લેનમાં 15 કીમીનો ટ્રાફિકજામ

Update: 2020-09-24 09:14 GMT

આપ વડોદરા કે અમદાવાદ તરફથી સુરત જઇ રહયાં હોય તો સાવધાન થઇ જજો કારણ કે ભરૂચ પાસે તમે હાઇવે પર ટ્રાફિકજામમાં ફસાઇ શકો છે. છેલ્લા ત્રણ દિવસથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં 15 કીમી સુધી વાહનોની કતાર જોવા મળી રહી છે.

ભરૂચની નર્મદા નદી ઉપર 2017માં કેબલ સ્ટેઇડ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી પણ નવા અને જુના સરદાર બ્રિજના સમારકામ તથા તકેદારી લેવામાં નેશનલ હાઇવે ઓથોરીટી સદંતર નિષ્ફળ નીવડી છે. ચોમાસામાં નવા તથા જુના સરદારબ્રિજ પર પડી ગયેલાં મસમોટા ખાડાઓના કારણે ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. 

ભરૂચની નર્મદા નદી પર બનાવવામાં આવેલાં જુનો અને નવો સરદારબ્રિજ ખખડધજ બની ગયાં છે. એક મહિના ઉપરાંત સુધી બંધ રાખવામાં આવ્યાં બાદ જુના સરદાર બ્રિજને હળવા વાહનો માટે શરૂ કરાયો છે. સુરત તરફ જતાં ભારદારી વાહનો નવા સરદારબ્રિજનો ઉપયોગ કરે છે પણ બ્રિજ પર દર અડધા મીટરના અંતરે મોટા ખાડાઓ પડી ગયાં છે. ખાસ કરીને બ્રિજથી ટોલ પ્લાઝા સુધી રસ્તો એકદમ બિસ્માર હોવાથી વાહનો 10ની સ્પીડ પર પણ પસાર થઇ શકતાં નથી.

ભરૂચના નેશનલ હાઇવે પરથી રોજના 65 હજાર કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે. નવા સરદારબ્રિજ પર પડેલા ખાડાઓના કારણે વાહનો ધીમી ગતિથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. છેલ્લા ત્રણ દીવસથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ઝંઘાર ગામ સુધી લગભગ 15 કીમી સુધીનો ટ્રાફિકજામ થઇ રહયો છે. 

નેશનલ હાઇવે પર થઇ રહેલાં જામ સંદર્ભમાં કનેકટ ગુજરાતની ટીમે ભરૂચના એસપી રાજેનદ્રસિંહ ચુડાસમાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નવા સરદાર બ્રિજ પર ખાડાઓ પુરી રસ્તો સરખો કરવા નેશનલ હાઇવે ઓથોરીટીને વારંવાર લેખિતમાં જાણ કરી છે. ટ્રાફિકજામ નિવારવા માટે અમે પોલીસ પોઇન્ટ મુકયાં છે પણ ખાડાઓ પુરવાનું કામ પોલીસ વિભાગનું નથી. નવા સરદારબ્રિજ પર ખાડાઓના કારણે વાહનોની ગતિ એકદમ ધીમી પડી ગઇ છે.

Tags:    

Similar News