Connect Gujarat
Featured

ભરૂચ : અંબિકા જવેલર્સમાં ઘુસ્યાં ચાર લુંટારૂઓ, જુઓ કેમ બે પિતરાઇ ભાઇઓને મારી ગોળી

ભરૂચ : અંબિકા જવેલર્સમાં ઘુસ્યાં ચાર લુંટારૂઓ, જુઓ કેમ બે પિતરાઇ ભાઇઓને મારી ગોળી
X

ભરૂચના ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સોમવારે બપોરના સમયે અંબિકા જવેલર્સમાં લુંટના ઇરાદે આવેલાં ચાર લુંટારૂઓએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી સોનાની ચેઇન ભરેલી પેટી ઝુંટવી રહેલાં લુંટારૂઓનો દુકાનના માલિકો અને નોકરોએ પ્રતિકાર કરતાં લુંટારૂઓએ ગોળીબાર કર્યો હતો જેમાં બે પિતરાઇ ભાઇઓને ગોળી વાગતાં તેમને સારવાર માટે ખસેડાયાં છે.

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જવેલર્સની દુકાન આવેલી છે. સોમવારના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં દુકાનની બહાર બે બાઇક પર ચાર હિન્દીભાષી યુવાનો આવે છે અને તેમાંથી એક યુવાન દુકાનમાં પ્રવેશી સોનાની ચેઇન દેખાડવાનું કહે છે. જવેલર્સની દુકાનમાં હાજર બે પિતરાઇ ભાઇઓએ તેને ચેઇન બતાડવાનું શરૂ કર્યું હતું દરમિયાન યુવાને બહાર ઉભેલા તેના સાગરિતોને બોલાવી ચેઇન ભરેલી પેટી આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. દુકાનમાં હાજર બંને ભાઇઓ તથા નોકરોએ હીમંતથી લુંટારૂઓનો સામનો કરતાં લુંટારૂઓએ ગોળીબાર કરતાં બંને ભાઇઓને ગોળી વાગી હતી. લુંટારૂઓનો પીછો કરવામાં આવતાં બે બાઇક પર ત્રણ લુંટારૂઓ પાંચબત્તીથી મહંમદપુરા સર્કલ તરફ જયારે એક દોડતો દોડતો સ્ટેશન તરફ ભાગી ગયો હતો. લુંટારૂઓ સાથે થયેલી ઝપાઝપીમાં એક તમંચો પણ જવેલર્સના કર્મચારીઓને ઝૂંટવી લેવામાં સફળતા મળી હતી

ભરૂચ શહેરમાં એક જ મહિનામાં ગોળીબારનો બીજો બનાવ બન્યો છે. થોડા સમય પહેલાં જંબુસર ચોકડી વિસ્તારમાં બે મિત્રોના ઝગડામાં એકએ બીજા પર ફાયરીંગ કર્યું હતું. અંબિકા જવેલર્સમાં બનેલી ઘટના બાદ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ફરાર થઇ ગયેલાં લુંટારૂઓને ઝડપી પાડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. ડીવાયએસપી ડી.પી.વાઘેલાએ જણાવ્યું હતું કે, લુંટારૂઓનો જવેલર્સના માલિકો અને નોકરોએ હિમંત પુર્વક પ્રતિકાર કર્યો છે. લુંટારૂઓ પાસેથી એક હથિયાર પણ ઝૂંટવી લેવામાં આવ્યું હતું. લુંટારૂઓ હિન્દીભાષી હતાં અને બે બાઇક પર સવાર થઇને આવ્યાં હતાં.

Next Story