Connect Gujarat
Featured

ભરૂચ: નગરપાલિકાની ચૂંટણી બનશે રસપ્રદ,જુઓ ભાજપ, કોંગ્રેસ, BTP-AIMIM બાદ કોણે તમામ બેઠક પર ઉમેદવારો ઊભા રાખવાની કરી જાહેરાત

ભરૂચ: નગરપાલિકાની ચૂંટણી બનશે રસપ્રદ,જુઓ ભાજપ, કોંગ્રેસ, BTP-AIMIM બાદ કોણે તમામ બેઠક પર ઉમેદવારો ઊભા રાખવાની કરી જાહેરાત
X

ભરૂચ નગર પાલિકાની યોજાનાર ચૂંટણી આ વખતે રસપ્રદ બનશે કારણ કે મુખ્ય રાજકીયપક્ષો ઉપરાંત ભરૂચ જનતા અપક્ષની જાહેરાત કરવામાં આવી છે અને તમામ 44 બેઠક પર ઉમેદવારો ઊભા રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના ઢોલ ઢબુકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવા મંથન કરવામાં આવી રહ્યું છે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોના સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ જનતા અપક્ષની જાહેરાત કરવામાં આવી હતી જેમાં નિવૃત એન્જીનિયર,એડવોકેટ, ડોકટર, તેમજ સામાજિક કાર્યકરોએ ભેગા મળીને સંગઠનની જાહેરાત કરી છે.

જનતા અપક્ષ દ્વારા નગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠક પર ઉમેદવારો ઊભા રાખવામા આવશે અને ચૂંટણી લડાશે. તેઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ કામોની યાદી પણ બહાર પાડવામાં આવી છે તો મેનિફેસ્ટો પણ જાહેર કરાયો છે. જેમાં સરકારી શાળાઓને આધુનિક બનાવવી,સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ ક્લાસ શરૂ કરવા, જૂના ભરૂચનો વિકાસ, તમામ સ્મશાનનું નવિનીકરણ, રોજગારીની તકો ઊભી કરવી અને રમતગમત માટેની વ્યવસ્થા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ અંગે ભરૂચ જનતા અપક્ષના આગેવાન કમલેશ મઢીવાલાએ જણાવ્યુ હતું કે હાલ સુધી તેઓ પાસે 12 ઉમેદવારો નક્કી છે. પરંતુ તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી લડવામાં આવશે અને જીત માટેના પ્રયાસો કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર સેવા સદનમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત BTP-AIMIMનું ગઠબંધન પણ BTP-AIMIM લડશે ત્યારે અપક્ષ ઉમેદવારોની પણ દાવેદારીના કારણે ચૂંટણી રસપ્રદ બની રહેશે.

Next Story