Connect Gujarat
ગુજરાત

“ગુજરાતની જીવાદોરી” માં નર્મદા...આજે પાડી રહી છે, મરણ ચિસ..!

“ગુજરાતની જીવાદોરી” માં નર્મદા...આજે પાડી રહી છે, મરણ ચિસ..!
X

નર્મદા “ગુજરાતની જીવાદોરી” છે તેવું આપણને વારંવાર કહેવામાં આવે છે. ગુજરાતના પાણીના દરેક પ્રશ્નનો ઉકેલ નર્મદા નદીના પાણીથી જ આવશે તેવા સ્વપ્નો આજે પણ આપણને બતાવવામાં આવે છે. પરંતુ નર્મદા નદી પર જે પરિયોજનાઓ થોપી દેવામાં આવી છે, તેના પરિણામે સરદાર સરોવર ડેમ પછીની નર્મદા નદીની સ્થિતિ ચિંતાજનક બની છે.

આ અંગે વધુ વિગતો મેળવવા ૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ થી સાંજે ૪.૦૦ સુધી (અમાસ પછીનો બીજો દિવસ,દરિયાની ઓટનો સમય – એવો સમય કે જે સમયે નદીની સારામાં સારી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે) નર્મદા નદીના ‘સરદાર સરોવર ડેમ’ પછીના વિસ્તારનો (નીચેવાસ) એક આભ્યાસ કરવામાં આવ્યો. જેમાં ખાસ કરીને ડેમ પછીના વિસ્તરમાં નદીની સ્થિતિ અને પાણીની ગુણવત્તા સંબંધે તપાસ કરવામાં આવી.

અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ‘સરદાર સરોવર ડેમ’ બનાવતી વખતે ડાઉન સ્ટ્રીમ (ડેમ પછીની નીચેવાસમાં નદી) પર ગંભીર અસરો થશે, તેની ગંભીરતા અંગે વારંવાર રજુઆતો કરવા છતાં આ મુદ્દ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. પરિણામે ડેમ પછીની ૧૬૧ કિમી લાંબી નદીની આસપાસના વિસ્તારોની સ્થિતિ, પર્યાવરણ, જૈવિક વિવિધતા અને માછીમારી સામે અનેક જોખમો ઉભા થયા છે. નદીના પાણીની ગુણવતા, નદીની આસપાસના વિસ્તારના ભૂગર્ભજળ અને જીવ સૃષ્ટિને નુકસાન થઇ જ રહ્યું છે અને સાથે સાથે નદી પર નભતા સમુદાયોના રોજગાર છીનવાઈ રહ્યાં છે અને કેટલાકના રોજગાર અને જીવન સામે બહુ મોટા પડકારો ઊભા થઇ રહ્યાં છે. ખાસ કરીને ખેડૂતો અને માછીમારીને અનેક રીતે માઠી અસરો થઈ છે.

આટલું પુરતું ન હતું તો ગરૂડેશ્વર ખાતે ‘ગરુડેશ્વર વિયર’નું બાંધકામ, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટ’ પ્રોજેક્ટ અને પ્રવાસન વિષયક આડેધડ યોજનાઓનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. વિયર અને પ્રવાસનની યોજનાઓને પરિણામે એક સમયે ‘અરબ સાગર’ને મળતી નર્મદા નદી આજે ‘અરબ સાગર’થી ૧૬૧ કિ.મી. પહેલાં ગરુડેશ્વર ગામ સુધી જ સીમિત કરી દેવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં નર્મદાની લંબાઈ ૧૦૭૭ કિમી છે. ત્યાર બાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની હદમાં ૩૫ કિમી અને મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યની હદમાં ૩૯ કિમી અને અંતે ગુજરાતમાં લગભગ ૧૬૧ કિમી લંબાઈ ધરાવે છે. નર્મદા બારમાસી નદી છે તે આપણા ધ્યાનમાં રહેવું જોઈએ. પરંતુ આજે તાજા પાણીના આભાવે નર્મદામાં કિનારાના શહેરોના સુએજના (ગટરના) પાણી અને દરિયાનું પાણી ઘણું અંદર સુધી પ્રવેશી ચુક્યું છે અને હવે તો કાયમી વસવાટ કરે છે.

ગુજરાતમાંથી પસાર થતી નર્મદાની સ્થિતિ દયનીય, ચિંતાજનક અને આપણા માટે લાલ બત્તી સમાન છે. વળી અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી અને દહેજના ઔદ્યોગિક વિસ્તરમાંથી નીકળતું પ્રદુષિત એફલ્યુંઅન્ટ નર્મદા નજીક દરિયામાં છોડવામાં આવે છે. પ્રદુષિત એફલ્યુંઅન્ટની ગુણવતા ઘણી બધી વખત નક્કી કરેલ ધારાધોરણ મુજબ નથી હોતી તે જગ જાહેર વાત છે.

એક સમયે મીઠા પાણીથી ભરપુર વેહતી નર્મદા નદી આજે ગુજરાતમાં ૧૬૧ કિમી વિસ્તરમાં પાણીના આભાવે સુકી ભઠ્ઠ બની છે. વળી ‘સરદાર સરોવર ડેમ’ અને ‘ગરુડેશ્વર વિયર’ દ્વારા ડાઉન સ્ટ્રીમ નર્મદામાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવે છે. એક સમયે સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડાઉન સ્ટ્રીમમાં નદીને જીવંત રાખવા માટે દરરોજનું ૬૦૦ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવું જરૂરી છે. પરંતુ હાલમાં ગુજરાત સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરીટીને કહેવું પડ્યું છે કે ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે તો ડાઉન સ્ટ્રીમ નદીને જીવંત રાખી શકાય. પરંતુ ૬૦૦ ક્યુસેક પાણી અને ૧૫૦૦ ક્યુસેક પાણી આ બન્ને આંકડાઓ માત્ર અંદાજના આધારે નક્કી કરવામાં આવ્યા છે. તે અંગે કોઈ નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યા નથી.

તેમણેમાંગણી કરી હતી કે, નિષ્ણાતોની એક સમિતિનું તાત્કલિક ગઠન કરવામાં આવે જે નદીના પર્યાવરણ અને આસપાસના વિસ્તારની જરૂરીયાતને આધારે ડાઉન સ્ટ્રીમ નર્મદામાં પાણીનો યોગ્ય પ્રવાહનો અભ્યાસ કરે. જેથી વિવિધ ઋતુમાં પણ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ નર્મદા નદી ખંભાતના અખાતમાં દરિયાને મળે છે ત્યાં સુધી સતત ચાલુ રહે અને નદી સુકાયેલી ન રહે.

હાલની સ્થિતિમાં નર્મદા નદી, ડાઉન સ્ટ્રીમ વિસ્તાર, કિનારા આસપાસના ગામો અને તેમની આજીવિકા, આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારો દરેકનું બેસુમાર શોષણ થઇ રહ્યું છે. આ વિસ્તરમાં આજે સામાજિક ન્યાય, સંસાધનો પરના અધિકારો, નીતિગત આયોજન, સાંસ્કૃતિક સંસાધનો અને વન્યજીવો સામે અનેક સવાલો અને પડકારો સર્જાયા છે. નર્મદા નદી ઉપર અનેક પ્રકારની હિંસા આચરવામાં આવી રહી છે.

સરદાર સરોવર ડેમ, ગરૂડેશ્વર વિયર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા પ્રવાસન સંબંધી પ્રોજેક્ટ દ્વારા ડાઉન સ્ટ્રીમમાં માછીમારોને મોટા પાયે નુકસાન થયું જ છે સાથે નદી આધારિત રોજગાર મેળવતા હજારો પરિવારો અને ખેડૂતો પ્રભાવિત થયા છે. પરંતુ આ યોજનાઓના પરિણામ સ્વરૂપ દરિયાનું પાણી નદીમાં ઘણા લાંબા અંતર સુધી પ્રવેશ્યું છે (Sea Water Ingress). આ સમગ્ર પરિયોજના દ્વારા નર્મદા નદી અને તેની આસપાસના વિસ્તારો પર અનેક પ્રતિકુળ અસરો પડી છે. જ્યાં સુધી આ બધી અસરોનો પદ્ધતિસરનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ નહી કરવામાં આવે ત્યાં સુધી સરકારના ટુંકાગાળાની રાહત માટે લીધેલા બધા જ પગલાઓ નિષ્ફળ જશે.

આજે આપણી લાલચ અને ઉદાસીનતાના પરિણામે નદીની એક રીતે હત્યા કરીને જે વિકટ પરિસ્થિતિ સર્જી છે તે હજુ વધુ ભયાનક બનશે. ભરૂચ પાસે નર્મદા નદીમાં હિલ્સા માછલીના પ્રજનનનું સમૃદ્ધ અને વિશેષ જીવનચક્ર હતું તે નષ્ટ થયું છે. નદીમાં વધી રહેલી ખારાશને કારણે ભરૂચ શહેર અને તેની આસપાસના ૨૧૦થી વધુ ગામડાઓમાં પીવાના પાણી અને સિંચાઈ સહિતના વપરાશ માટેના પાણી સામે જોખમ ઉભું થયું છે. આ બધાની ગંભીર સામાજિક અને આર્થિક અસરો તો પડી જ છે. સાથે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ માછીમાર પરિવારોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે.

ગુજરાત સરકારે વારંવાર એવા દાવાઓ કર્યા છે કે ડાઉન સ્ટ્રીમ અંગે તેમણે ઘણા અભ્યાસો કર્યા છે. પરંતુ વાસ્તવિક ચિત્ર સાવ જુદું છે. નર્મદા કંટ્રોલ ઓથોરીટીના ‘પર્યાવરણ સબ ગ્રુપ’ દ્વારા વિવિધ અભ્યાસો અને પ્રગતિ અહેવાલો (પ્રોગ્રેસ રીપોર્ટ) સત્યતાની ગંભીરતાપૂર્વક ચકાસણી કર્યા વિના જ સ્વીકારી લેવામાં આવ્યા છે. જમીન પરની હકીકત તેનો પુરાવો પૂરો પાડે છે.

નદીના પાણીનો પ્રવાહ અને કાંપ - માટીનો પ્રવાહ સરદાર સરોવર ડેમે અવરોધ્યો છે તે અંગે હવે તો કોઈ વિવાદ જ નથી. નદી અને તેની આસપાસની જીવસૃષ્ટિનો વિકાસ અને જાળવણીમાં પાણીનો જથ્થો, પ્રવાહ અને સમયગાળો ઘણો મહત્વનો હોય છે.

૬ અપ્રિલ ૨૦૧૯ના અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ગુજરાત સરકાર અને પર્યાવરણ મંત્રાલય, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય એ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે. સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓ પોતાની જવાબદારી સમયસર અને ચોકસાઈથી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. વળી આ સમગ્ર પરિસ્થિતિ અંગે તેઓ પુરતા ગંભીર અથવા ક્રિયાશીલ દેખાતા નથી.

Next Story