ભરૂચ : જુના બોરભાઠાના રહીશો ઘર વાપસીની જોઇ રહયાં છે રાહ, પાંચ દિવસથી બન્યાં ઘર વિહોણા

New Update
ભરૂચ : જુના બોરભાઠાના રહીશો ઘર વાપસીની જોઇ રહયાં છે રાહ, પાંચ દિવસથી બન્યાં ઘર વિહોણા

નર્મદા નદીમાં આવેલાં પુરના પાણી ભલે ઓસરી ગયાં હોય પણ જુના બોરભાઠા બેટના રહીશોની હાલત હજી કફોડી છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ માથે આભ અને નીચે ધરતીની સ્થિતિમાં જીવી રહયાં છે.

ભરૂચ શહેરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે જનજીવનની ગાડી માંડ માંડ પાટા પર આવી રહી હતી તેવામાં નર્મદા નદીમાં આવેલાં પુરે જનજીવન પર ફરી બ્રેક મારી દીધી છે. રવિવારે સાંજથી નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરાઇ હતી. મંગળવાર સુધીમાં તો ભરૂચના ગોલ્ડનબ્રિજના પાણી 35 ફુટની સપાટીએ પહોંચી ગયાં હતાં. પુરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયાં હતાં. ગુરૂવારે એક જ દિવસમાં નદીના પાણીમાં 50 ટકાનો ઘટાડો થતાં નર્મદા નદીની સપાટી 14 ફુટ સુધી પહોંચી ગઇ હતી. પુરના પાણી ઓસર્યા બાદ હવે ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક ધોવાઇ ગયો છે જયારે કેટલાય કાચા મકાનો પુરમાં વહી ગયાં છે. પુરની વરવી વાસ્તવિકતા ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડા પર જોવા મળી રહી છે. સોમવારના રોજ નર્મદા નદીના પાણી ગામમાં પ્રવેશી જતાં ગામલોકો પોતાના ઢોરો અને કુટુંબ કબીલા સાથે ગોલ્ડનબ્રિજની નજીક રહેવા આવી ગયાં છે. પુરના પાણી ભલે ઓસરી ગયાં હોય પણ કીચડના કારણે હજી તેઓ ગામમાં જઇ શકતાં નથી. ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે હાલ એક ગામ વસી ગયું હોય તેવો નજારો જોવા મળી રહયો છે.

Latest Stories