Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નર્મદા નદી બે કાંઠે થઈ વહેતી, નર્મદા ડેમમાંથી ૬ લાખ ક્યુસેક પાણી છોડાયું

ભરૂચ : નર્મદા નદી બે કાંઠે થઈ વહેતી, નર્મદા ડેમમાંથી ૬ લાખ ક્યુસેક પાણી છોડાયું
X

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી 2017 બાદ પ્રથમ વખત પાણી છોડવામાં આવતાં ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીમાં પુરની સ્થિતિ નિર્માણ પામી છે. નર્મદા નદીમાં વિપુલ માત્રામાં આવી રહેલા પાણી તથા સતત વરસી રહેલા વરસાદના કારણે જન જીવન પ્રભાવિત થયું છેે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહયું હોવાથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દે તેવી પુરેપુરી શકયતા છે. બીજી તરફ વરસાદ પણ વરસી રહયો હોવાથી જન જીવન પ્રભાવિત થયું છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક ગામડાઓમાં પાણીનો ભરાવો થઇ ગયો છે. નર્મદા નદીના વધી રહેલા જળસ્તરના પગલે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહયાં છે. 2013 બાદ નર્મદા નદીમાં ફરીથી પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. નદી બે કાંઠે વહેતી થતાં લોકો અદભુત નજારાને જોવા ઉમટી રહયાં છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નજીક લકકડીયા પુલ પાસે 15 જેટલી ભેંસો પાણીમાં ફસાઇ છે. અંકલેશ્વરથી મળી રહેલા અહેવાલ મુજબ જુના દીવા રોડ પર વીજથાંભલો ધરાશાયી થયો છે. અંકલેશ્વર તાલુકાના સફરુદીન સહિતના ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહયાંં છે. નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી આવી રહયું હોવાથી તંત્ર સ્થિતિ પર બાજ નજર રાખી રહયું છે. ઇન્ચાર્જ કલેકટર ક્ષિપ્રા અગ્રએ જણાવ્યું હતું કે, ભરૂચમાં નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટીને પાર કરી જશે. તંત્ર અત્યારે લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી કરી રહયું છે.

Next Story