ભરૂચ જિલ્લાના ભાડભૂત નજીક નિર્માણ પામી રહેલ બેરેજ ડેમથી અસરગ્રસ્ત માછીમાર પરીવારોએ વૈકલ્પિક રોજગારીની માંગ સાથે માછીમાર સમાજ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા ભાડભૂત બેરેજ યોજના સામે અસરગ્રસ્ત માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સદીઓથી પરંપરાગત પધ્ધતિથી નર્મદા નદીના આંતરભરતીય વિસ્તારમાં માછીમારી કરતાં માછીમારો પોતાની રોજીરોટી માટે સંપૂર્ણ રીતે નર્મદા નદી પર નિર્ભર રહે છે, ત્યારે આંતરભરતીય વિસ્તાર કે, જે દહેજથી લઇ શુકલતીર્થ સુધી નર્મદા નદીમાં અને ખાડીઓમાં ફેલાયેલો છે, જેમાં માછીમારો દ્વારા પગડિયા અને બોટ દ્વારા એમ 2 પ્રકારે માછીમારી કરવામાં આવે છે. નર્મદા નદીની ખાડીમાં ચોમાસા દરમિયાન હિલસા તથા બાકીના સમયમાં ઝીંગા, બોઇ, કરચલા, ક્રોકર અને સોંઢીયા સહિતની પ્રજાતિઓ મુખ્યત્વે જોવા મળે છે. આ નદીના પાણીમાં ભરતી ઓટ દરમિયાન મોટેભાગે બોટ દ્વારા માછીમારી કરવામાં આવે છે. આંતરભરતીય વિસ્તારમાં વિવિધ મત્સ્ય પેદાશો પગડિયા માછીમારો કરતાં આવ્યા છે. માછીમારોની મુખ્યત્વે આવક હિલસા માછલી દ્વારા થાય છે, જેનું વાણિજ્યક મૂલ્ય ખૂબ વધુ હોય છે. મોટાભાગના માછીમારો હિલસા માછલીની આવક પર જીવન નિર્વાહ ગુજારે છે.
નર્મદા નદી અને સાગર સંગમ જે માછલીઓનું બ્રીડીંગ ગ્રાઉન્ડ છે, જ્યાં નજીક જ નદીની એક્ચ્યુરીમાં ભાડભૂત ડેમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના લીધે માછીમાર પરિવારો પોતાની રોજગારી અને ભવિષ્ય બાબતે ખૂબ જ મોટી ગંભીર મુશ્કેલીમાં મુકાઇ ગયેલા હોવાથી માછીમાર સમાજે ભાડભૂત યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ આ મુદ્દે સરકાર દ્વારા અસરગ્રસ્ત માછીમારો માટે વૈકલ્પિક રોજગારી માટેની યોજના રજૂ કરવામાં આવી હતી. પણ તેનો અમલ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાનું જણાવી આ મુદ્દે રાજકીય અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ મછીમાર સમાજ સરકાર સાથે સંઘર્ષમાં ઉતરે તેવી મેલી મુરાદથી આ યોજનાનો અમલ ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા હોવાનો માછીમાર સમાજે આક્ષેપ કર્યો છે. જોકે, આગામી તા. 10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીની જંબુસર મુલાકાત દરમ્યાન આ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં થાય તો માછીમાર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.