ભરૂચના નર્મદા નદી પર બનેલાં અને જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજને સોમવાર તારીખ 12મી જુલાઇ અષાઢી બીજના પાવન અવસરે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ભરૂચની નર્મદા નદી પર આવેલાં ગોલ્ડનબ્રિજ ઉપર વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની હતી. આવા સંજોગોમાં રાજય સરકારે 400 કરોડ રૂપિયાના ખર્ચે ગોલ્ડનબ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવાની મંજુરી આપી હતી. છ વર્ષ ઉપરાંતથી ચાલતી કામગીરી બાદ આખરે બ્રિજનું નિર્માણ કાર્ય પુર્ણ થયું છે. અષાઢી બીજના દિવસે આ બ્રિજનું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકાયાં બાદ ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતાં હજારો લોકોને રાહત મળશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી રાજયના અન્ય શહેરોમાં જતાં વાહનચાલકોને પણ નેશનલ હાઇવેના ટ્રાફિકમાંથી મુકિત મળશે. નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને તરફ વોક વે પણ બનાવવામાં આવ્યો છે જેના કારણે બ્રિજ આગામી સમયમાં પીકનીક પોઇન્ટ પણ બનશે. બ્રિજના લોકાર્પણ સમારંભને અનુલક્ષી કલેકટર એમ.ડી.મોડીયાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક પણ મળી હતી. બેઠકમાં કલેક્ટરએ સભા, સ્ટેજ, મંડપ, ડાયસ પ્લાન વિગેરે વ્યવસ્થા બાબતે સબંધિતઅધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપી હતી.
નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ,પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, માર્ગ-મકાનના અધિકારી અનિલ વસાવા સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહયાં હતાં. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ પ્રસંગે ખુશી વ્યકત કરી આ બ્રિજ રાજયમાં એક અનોખી મિશાલ પુરી પાડશે તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા બનેલા બ્રિજની નીચેના ભાગને રંગબેરંગી વૃક્ષોથી સજાવવામાં આવી રહયો છે.