Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 31 ફૂટને પાર, પૂરની પરિસ્થિતી વચ્ચે સર્જાયા તારાજીના દ્રશ્યો...

નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર રાત્રી દરમિયાન વધ્યું હતું.

X

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 13.42 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં નર્મદા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતીનું નિર્માણ થયું છે, ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર 31 ફૂટને આંબી જતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે.

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. તો બીજી તરફ, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો એટલે કે, નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર રાત્રી દરમિયાન વધ્યું હતું. નર્મદા નદીમાં પાણી વધવાની શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ, વહેલી સવારે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર થઈ ગયું હતું. સવારે 6 કલાકે નદીનું જળસ્તર 28.21 ફૂટ નોંધાયું હતું, ત્યારબાદ સવારે 10 કલાકે પાણીના જળસ્તર 31 ફૂટને આંબી ગયા હતા. જેના પગલે નર્મદા નદી કાંઠે નીચાણવાળા વિસ્તારોના 39 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે, જ્યારે 1 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ સાથે જ ભરૂચ શહેરના ફુરજા, દાંડિયાબજાર, દશાશ્વમેઘ ઘાટ સુધી પણ નર્મદાના નીર પ્રવેશ કરતાં લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. આ તરફ, નર્મદા નદીમાં હજુ પાણીની આવકમાં વૃદ્ધિ થતાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અંકલેશ્વરના છાપરાથી માંડવા ગામને જોડતા માર્ગ પર પુરના પાણી ફરી વળતાં 2 લોકો પાણીમાં ફસાયા હતા, ત્યારે તંત્ર દ્વારા બોટ મારફતે બન્નેનું રેસક્યું ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો હતો. જોકે, ભરૂચમાં પૂરના સંકટ વચ્ચે જીવસૃષ્ટિને વ્યાપક અસર થઈ છે, તેવામાં ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન પણ અટવાયું હતું. પાણીના પ્રકોપથી બચવા શ્વાને લાકડાના પુળા બેસી જઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story