Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સરકારી અનાજને બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ

ભરૂચ SOG પોલીસે ગેરકાયદેસર રીતે ભરેલા સરકારી અનાજના જથ્થા સાથે ટેમ્પો ઝડપી પાડી રૂ. 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા

X

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ અધિકારી આર.એલ.ખટાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક આઈસર ટેમ્પોમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે થઈ રહ્યો છે. જેને ઝડપી પાડી ગાડીમાં સવાર છોટાઉદેપુરના ડ્રાઈવરે પોતાનું નામ વિક્રમસિંહ રાવસિંહ સોલંકી હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેની સાથે બેસેલા વડોદરાના પાદરાના રહેવાસી શખ્શે તેનું નામ હર્ષિલ કમલેશ શાહ હોવાનું જણાવ્યુ હતું. જોકે, પોલીસે ટેમ્પોમાં તપાસ કરતાં તેમાં કંતાનની બોરીમાં ચોખા અને ઘંઉ ભર્યા હોવાનું માલુમ પડ્યુ હતું. ડ્રાઈવર અને તેની સાથેના ઈસમની પોલીસે વધુ પૂછપરછ કરી હતી.

જેમાં 150 બોરી ચોખા અને 150 બોરી ઘઉં ભરૂચના મકતમપુર સ્થિત અંબાજી ફળીયામાં આવેલી સરકારી અનાજની દુકાનમાંથી ભાવેશ મહેશભાઈ મિસ્ત્રીએ ભરી આપ્યા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે બીલની માંગણી કરતાં ડ્રાઈવરે ભરૂચના લિંક રોડ પર નારાયણ કોમ્પલેક્ષમાં આવેલી સાંઈ એજન્સીનું બીલ બતાવ્યુ હતું. જે જથ્થો શ્રી યમુના ટ્રેડિંગમાં મોકલવાનો હતો. પોલીસે ડ્રાઈવર અને તેની સાથેના ઈસમ સાથે પોલીસ જે સરકારી અનાજની દુકાનેથી જથ્થો ભરાયો હતો ત્યાં પહોંચી હતી, જ્યાં ભાવેશ મહેશ મિસ્ત્રી ઉપસ્થિત હતો.

પોલીસે તેની પુછપરછ કરતાં આ સસ્તા અનાજની દુકાનના સંચાલકનું નામ વિરાજ રામસિંહ પઢીયાર હોવાનું જણાવ્યુ હતું. ચોખા અને ઘઉંના જથ્થા અંગે પુછતાં ભાવેશ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ભરૂચ SOG પોલીસે ગેરકાયદેસર રીતે ભરેલા સરકારી અનાજના જથ્થા સાથે ટેમ્પો ઝડપી પાડી રૂ. 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે આ મામલામાં સંડોવાયેલ દુકાનદારને વોન્ટેડ જાહેર કરી તેને પણ વહેલી તે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story