Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સુવા ગામની સરકારી જમીન પર કંપનીઓના દબાણ સામે ગ્રામજનોનું ધરણાં પ્રદર્શન

કેટલીક કંપનીઓ દ્વારા મોટાપાયે દબાણો ઉભા કરવામાં આવ્યા છે, તો વળી કંપનીઓ દ્વારા સરકારી જમીન ઉપર બાઉન્ડ્રી વોલ બનાવી અનઅધિકૃત કબજો પણ કરવામાં આવેલ છે.

ભરૂચ : સુવા ગામની સરકારી જમીન પર કંપનીઓના દબાણ સામે ગ્રામજનોનું ધરણાં પ્રદર્શન
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની ગોચર અને સરકારી પડતર જમીનનો મામલો ગરમાઈ જવા પામ્યો છે. ગૌચર અને સરકારી પડતર જમીનો પણ દબાણ કરનારી કંપનીઓ વિરુદ્ધ આવેદન આપ્યા બાદ કોઈ જ કાર્યવાહી નહીં થતા ગ્રામજનો ધરણા પ્રદર્શન કરતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. વાગરા તાલુકાના સુવા ગામની ગૌચર તેમજ સરકારી પડતર જમીનો પર કેટલીક કંપનીઓ દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવા માટે અને લેન્ડ લુઝરોને નોકરીઓમાં સમાવેશ કરવા ગામ લોકોએ ધરણા નો માર્ગ અપનાવ્યો હતો.

ગ્રામજનોએ વારંવારની માંગ કરવા છતાં સંબંધિત સરકારી તંત્ર દ્વારા કોઈ જ હકારાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા સુવાના ગ્રામજનોએ માર્ગ પર ઉતરવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે, ગત તા. 24 માર્ચના રોજ સુવા ગ્રામ પંચાયતના સરપંચ સહિતની બોડીએ ભરૂચ જિલ્લાના કલેકટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત મહેસુલ મંત્રી અને ગૌસેવા આયોગને ઉદ્દેશીને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ સુવા ગામની સર્વે નંબર 411વાળી 229 હેકટર જમીન ગૌચર માટે તેમજ 124 હેકટર જમીન સરકારી પડતર માટે રાખવામાં આવી હતી.

જેની ઉપર કેટલીક કંપનીઓ દ્વારા મોટાપાયે દબાણો ઉભા કરવામાં આવ્યા છે, તો વળી કંપનીઓ દ્વારા સરકારી જમીન ઉપર બાઉન્ડ્રી વોલ બનાવી અનઅધિકૃત કબજો પણ કરવામાં આવેલ છે. આવેદનમાં લેન્ડ લુઝર્સને કંપનીઓ નોકરીમાં નહીં રાખતી હોવાની રજૂઆત સાથે શિક્ષિત બેરોજગાર જમીન ગુમાવનાર ધરતીપુત્રોને કંપનીમાં રોજગારી આપવા પણ માંગ કરવામાં આવી હતી. સાથે જ દબાણ કરનારી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ઉપરાંત દંડ ફટકારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

જો ઉક્ત માંગો પુરી કરી દબાણોને નહીં હટાવાય તો કંપની સામે જલદ આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તેમ છતાંય સરકારી સત્તાધીશોના પેટનું પાણી ન હાલતા આખરે ન છૂટકે સુવા ગ્રામ પંચાયતના સરપંચ સહિત અનેક ગ્રામજનો પોતાની માંગોને લઈને રસ્તા ઉપર ઉતરી આવી ધરણા પર બેસી ગયા હતા. જેને પગલે દહેજ પોલીસનો કાફલો ધરણા સ્થળે દોડી આવ્યો હતો. તો બીજી તરફ ઉદ્યોગ જગતમાં આંદોલનને પગલે તરેહ તરેહની ચર્ચાઓએ સ્થાન જમાવી દીધુ હતુ. ધરણા કાર્યક્રમમાં સરપંચ, ડે.સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામ અગ્રણીઓ સહિતના ગ્રામજનો જોડાયા હતા. ધરણા કાર્યક્રમને પગલે GIDCના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.

Next Story