Connect Gujarat
Featured

દેવઉઠીઅગીયારસના શુભ દિને રાજ્યભરમાં કરાઇ તુલસી વિવાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

દેવઉઠીઅગીયારસના શુભ દિને રાજ્યભરમાં કરાઇ તુલસી વિવાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી
X

દેવ ઉઠી અગિયારસ નિમિત્તે રાજ્યભરમાં તુલસી વિવાહની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના પગલે પરંપરાગત રીતે મંદિરમાં ઉજવાતો તુલસી વિવાહ ઉત્સવ કેટલાક સ્થળોએ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા દ્વારકાના જગત મંદિરમાં તુલસી વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશના તુલસી સાથેના લગ્ન ઉત્સવનું અનેરું મહત્વ છે, ત્યારે મંદિરના પરિસરમાં તુલસી વિવાહના પ્રસંગ દરમ્યાન ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. જોકે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી તુલસી વિવાહ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ખેડા જિલ્લાના ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રણછોડરાયજીને શણગાર સાથે શહેરા અને કલગીના શૃંગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. મંગળ ગીતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના તુલસીજી સાથે વિવાહ સંપન્ન થયા હતા. જોકે જીલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ ટેમ્પલ કમિટિ દ્વારા અગાઉથી જ તુલસી વિવાહ અને દેવ દિવાળીની બંધ બારણે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પણ તુલસી વિવાહ પ્રસંગની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ હાલ કોરોના મહામારીના પગલે આયોજકો દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ સાદાઈથી તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યો હતો. જંબુસર ખાતે રામજી મંદિરમાં લાલજી ભગવાનને પરણાવવાનો ભાવિક ભક્તોએ લ્હાવો લીધો હતો. કોરોના મહામારી વહેલી તકે દેશ અને દુનિયામાંથી નાબૂદ થાય તે માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. તુલસી વિવાહ પ્રસંગે જંબુસર નગરના ગ્રામજનો દર્શન માટે પધાર્યા હતા.

Next Story
Share it