મેઘરાજાના મેળામાં છડી-નોમના ઉત્સવની ઉજવણી
વેજલપુર, ભોઇવાડ, લાલબજારથી છડીયાત્રા નીકળી
શ્રદ્ધાના સથવારે 3 સમાજની છડીને છડીદારોએ ઝુલાવી
છડી-નોમના મહોત્સવમાં માનવ જનમેદની ઉમટી
મેઘરાજા અને છડી દર્શન થકી શ્રધ્ધાળુઓ ધન્ય થયા
સમગ્ર દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ભરાતા મેઘરાજાના મેળામાં છડી-નોમના દિવસે 3 છડીઓને ઝૂલતી જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા મહોત્સવની ઉજવણી શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ કરવામાં આવે છે. શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનાર મેઘરાજા ઉત્સવમાં ભોઈ, ખારવા તેમજ વાલ્મિકી સમાજ દ્વારા વરસાદના વિરામ વચ્ચે છડી નોમની શ્રદ્ધા અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ભરૂચના વેજલપુર ખાતેના ઘોઘારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલાવવામાં આવ્યા બાદ છડી નોમના રોજ પરંપરાગત રીતે છડી યાત્રા કાઢવામાં આવી હતી. છડી એ દેવીનું પ્રતિક છે, અને ઐતિહાસિક દંત કથા ધરાવે છે. છડી ઉત્સવના દેવને ઘોઘારાવ તેમજ જાહેર બલી પણ કહેવામાં આવે છે. ઘોઘારાવનો ઉત્સવ ભરૂચમાં સાતમથી નોમ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ખારવા સમાજ દ્વારા ઘોઘારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે જનમેદની વચ્ચે છડીદારો દ્વારા હાથ અને ખભા પર છડી ઝુલાવવામાં આવ્યા બાદ છડીને નાની બજાર, ચારરસ્તા, કોઠી રોડ, લાલબજારના પરંપરાગત રૂટ પરથી દાંડિયા બજાર મંદિરે લઈ જવામાં આવે છે, જ્યાં રાતવાસો કરી આજ રીતે છડી ઝુલાવતા ઝુલાવતા દશમના રોજ પરત વેજલપુર ખાતે લાવવામાં આવે છે.
આજ રીતે ભોઈ સમાજ દ્વારા ભોઈવાડ સ્થિત ઘોઘારાવ મંદિરથી તેમજ વાલ્મીકિ સમાજ દ્વારા લાલ બજારથી છડી યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે ભોઈ, ખારવા તેમજ વાલ્મિકી સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.