આણંદ : રિક્ષાચાલકના દીકરાને તબીબ તરીકેની કારકિર્દી ઘડવામાં સરકાર બની આધાર...
રાજ્ય સરકારની પોસ્ટમેટ્રીક ફ્રી શીપ કાર્ડ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે.

દરેક મા-બાપનું સપનું હોય છે કે, તેમનું સંતાન ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે. કારકિર્દી ઘડે. પણ અનેક ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક સગવડનો મુદ્દો અડચણરૂપ બનતો હોય છે. આવા કિસ્સામાં સરકાર સહાયક બને છે, ત્યારે આણંદના રિક્ષાચાલકના દીકરાને તબીબ તરીકેની કારકિર્દી ઘડવામાં સરકાર આધાર બની છે.
આ છે, આણંદના અશોક ચૌહાણ કે, જેઓ પોતાના પરિવારનું ગુજરાન રીક્ષા ચલાવીને કરે છે. તેમના દિકરા જીતને ડોક્ટર બનાવવાનું સપનું રાજ્ય સરકારની પોસ્ટમેટ્રીક ફ્રી શીપ કાર્ડ યોજના થકી સાકાર થયું છે. અશોક ચૌહાણની આર્થિક સ્થિતિ સારી નહોતી અને એમ.બી.બી.એસ.ની કોલેજની 1 વર્ષની ફીસ રૂપિયા 7.65 લાખ જેટલી થાય છે, જે તેઓ ભરી શકે તેમ નહોતા.
અશોક ચૌહાણના પુત્રનું ડોક્ટર બનવાનું સપનું હતું. જેને હવે પાલનપુર એમબીબીએસમાં એડમિશન મળ્યું છે. ગવર્મેન્ટ ક્વોટાની અંદર 4 વર્ષની ફી માટે કમસેકમ 30 લાખની આસપાસ ફી થતી હતી, જ્યારે રાજ્ય સરકારની પોસ્ટમેટ્રીક ફ્રી શીપ કાર્ડ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. આમ, જીત જેવા આણંદ જિલ્લાના અનૂસૂચિત જાતિના 585 વિદ્યાર્થીઓનું ઉજવળ ભવિષ્ય સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ફ્રી શીપ કાર્ડ યોજના થકી સાકાર થશે.