ઘણી મહિલાઓ માટે ચહેરા પર ઉગતા અનિચ્છનીય વાળ પર વેક્સિંગ કરવું કે તેને હટાવવા ખૂબ મુશ્કેલ હોય છે. ચહેરા પર ઉગતા આ નાના વાળ લૂકને ખરાબ કરી દે છે, પરંતુ ચહેરાના વાળને પાર્લરમાં જઇને હટાવવા પણ ખૂબ મુશ્કેલ લાગે છે. એવામાં અમુક ઘરેલું ઉપાયો દ્વારા તમે ચહેરાના આવા અનિચ્છનીય વાળને હટાવી શકો છો. આ ઉપાયો ખૂબ સરળ અને અસરકારક છે. તે તમારા ચહેરા પરથી વાળને પ્રાકૃતિક રીતે હટાવવાની સાથે સાથે ત્વચાને સાફ અને એક્સફોલિએટ પણ કરશે. તો આવો જાણીએ તમે કઇ રીતે ઘરેલું ઉપયો દ્વારા આમ કરી શકો છો.
તમે બે ચમચી ખાંડ અને લીંબુનો રસ અને એક ચમચી મધને એક નાની વાટકીમાં સારી રીતે મિક્સ કરી લો. 3-4 મિનિટ સુધી ગરમ પાણીમાં વાટકી રાખીને ગરમ કરો. પેસ્ટ ઠંડી થઇ જાય તો ચહેરા પર જે જગ્યા પર અનિચ્છનીય વાળ છે, તેના પર પાઉડરની જગ્યાએ કોર્નસ્ટાર્ચ લગાવો અને પેસ્ટને વાળ વધવાની દિશામાં લગાવો. હવે એક વેક્સિંગ સ્ટ્રિપ અથવા તો સુતરાઉ કાપડના નેપકિનની મદદથી વાળ વધવાની વિપરિત દિશામાં ખેંચીને એક ઝટકામાં કાઢી લો. આ રીતે ચહેરાના તમામ વાળ તમે કાઢી શકો છો.
પાકેલા એક કેળાને મિક્સરમાં બ્લેન્ડ કરો અને તેમાં બે મોટી ચમચી દલિયા નાંખો. હવે તેની પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી તેને હળવા હાથે મસાજ કરો. હવે તેને ઠંડા પાણી વડે સાફ કરી લો. દલિયા હાઇડ્રેટિંગ સ્ક્રબરની જેમ કામ કરે છે અને તેમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટ્સ તમારી ત્વચામાંથી રેડનેસ દૂર કરવામાં મદદ કરે છે.
5 ચમચી દાળને રાતભર પલાળી રાખો અને સવારે પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ એક બાઉલમાં અડધા બટાટાનો રસ, એક ચમચી મધ અને લીંબૂનો રસ નાખી મિક્સ કરો. હવે દાળની પેસ્ટને તેમાં મિક્સ કરો. ચહેરા પર લગાવી અને હળવા હાથે માલીશ કરો. લગભગ 20 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો.