ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા હવાઈ માર્ગે મુલાકાતે પહોચશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરથી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી આર.સી ફળદુ તેમજ જામનગરના સાંસદ પૂનમ માડમ અને મુખ્ય સચિવ પંકજકુમાર સાથે રાજકોટ અને જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા રવાના થશે. આ હવાઈ સર્વે બાદ જે તે જિલ્લા કલેક્ટર અને સ્થાનીય તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
સીએમ બન્યા બાદ ભુપેન્દ્ર પટેલના કાર્યકાળનો આજે બીજો દિવસ છે, ત્યારે ગતરોજ બપોરના સમયે તેઓએ કાર્યભાર સંભાળ્યા બાદ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદ અંગે પણ બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી.