ગુજરાતમાં દિન પ્રતિદિન આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે,નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા આ અંગે ચોંકાવનારી માહિતી રજૂ કરવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ સમગ્ર દેશમાં ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાએ 8 માં ક્રમાંકે આવે છે.
વર્ષ 2020 અને 2021ના કોરોના કાળના કપરા સમય પછી જીવનનું ધબકવું તો સામાન્ય બની ગયું પરંતુ ઘણા ખરા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા,તો બીજી તરફ આર્થિક રીતે કમર તૂટી ગઈ હોવાના કિસ્સાઓ સમાજમાં પ્રકાશમાં આવ્યા છે,એક સમયે ખુબ જ દુઃખદ ઘટના હોય અસહ્ય ત્રાસની પીડાથી કોઈ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી નાખે તે ભાગ્યે જ આવી ઘટના ઘટતી હતી,પરંતુ છેલ્લા એક બે વર્ષમાં જોઈએ તો સામૂહિક આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
રાજ્યના અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ સહિતના જિલ્લાઓ અને શહેરમાં આ પ્રકારની દુઃખદ ઘટનાઓ બનતી રહે છે. પરીક્ષામાં નિષ્ફળતા,નોકરી ન મળવી,લગ્નમાં અવરોધ, પ્રેમલગ્નમાં નિષ્ફ્ળતા,શિક્ષિત બેરોજગારી,ધાર્યું કામ ન થવું,આર્થિક સંકડામણ, વિશ્વાસઘાતનો ભોગ બનીને ઊંડો આઘાત લાગવો,પારિવારિક,સામાજિક સહિતની બાબતોના કારણે આપઘાત ની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.
કહેવાય છે કે જે લોકો આત્મહત્યા કરે છે તેમને જીવન ટૂંકાવવાની ઈચ્છા હોતી નથી પરંતુ તેઓ સંજોગોને સ્વીકારી શકતા નથી,અને દુઃખોથી દૂર જવાની માનસિકતા સાથે આત્મહત્યા કરીને જીવનલીલાને સમાપ્ત કરી નાખે છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ અંદાજિત માત્ર સુરતમાં છેલ્લા એકાદ મહિનામાં 70 થી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.અને ગુજરાતમાં એક વર્ષમાં 9002 લોકોએ આપઘાત કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સમગ્ર દેશમાં ગુજરાત આપઘાતના રેન્કમાં 8માં નંબર પર આવે છે.
જાણકારો કહે છે કે ભલે દુઃખોનો પહાડ તૂટી પડે પરંતુ જીવન ટૂંકાવવું જોઈએ નહીં, જ્યારે વ્યક્તિ ખુબજ ઊંડા દુઃખમાં ડૂબ્યો હોય કે એને પોતાની સમસ્યા માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તોજ ન જડે તો શું કરી શકે? એ પ્રશ્ન પણ વિચાર કરવા માટે મજબુર કરે છે,ત્યારે આવા સમયે વ્યક્તિએ પોતાના અંગત લોકો સાથે પોતાની વાત રજૂ કરવી જોઈએ અને શક્ય હોય તે મદદ થકી વ્યક્તિને ખોટું પગલું ભરતા પહેલા બચાવી શકાય છે, હા જોકે આવી વ્યક્તિની સમસ્યાને જાણ્યા બાદ તેની વાતને મજાક કે ઘટનાને હાસ્યાસ્પદ બનાવવી ન જોઈએ નહીતો તે વ્યક્તિ વધુ સંવેદન થઈને ન ભરવાનું પગલું ભરી લેશે અને તેનો પરિવાર દુ:ખના પહાડ નીચે દબાઈ જશે.