માછીમારો માટે અતિઆવશ્યક દરિયાઇ ૧૦૮ ની વર્ષો જૂની માંગણી છે. માછીમારી સમયે જતાં અકસ્માત સમયે સમયસર સારવાર ન મળતાં અનેક માછીમારો મોતને ભેટ્યા છે. આ બાબતે અનેકવાર સત્તાપક્ષ અને વિપક્ષ નાં પદાધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ આજદિન સરકાર દ્વારા આ અંગે કોઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી.
રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખતા રજૂઆત કરી હતી કે રાજુલા/જાફરાબાદ વિસ્તાર ના માછીમાર ભાઈઓ ને દરિયાઈ એમ્બ્યુલન્સ 108 ન હોવાને કારણે પોતાની જાન ગુમાવવા ના અસંખ્ય કિસ્સાઓ છે તેથીજ 2017માં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયીને આવ્યા બાદ છેલ્લા 4 વર્ષ થી લોકશાહી ના મંદિર એવા "વિધાનસભા ગૃહ" માં માંગણી કરી રહ્યો છું પણ વાયદા સિવાય કશું હાંસિલ થતું નથી.આ પત્ર/મેસેજ પણ જાફરાબાદના સ્મશાનમાંથી જ ટાઈપ કરી રહ્યો છું કારણ કે ગત રાત્રીએ મધદરિયે બોટમાં અકસ્માત થતા 33 વર્ષીય જગદીશભાઈ બારૈયા નું યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે અવસાન થયું છે અને સદગતના 9 વર્ષના બંને પુત્રો અનાથ થયાં છે.
બે બાળકો યાજ્ઞિક તેમજ હાર્દિક ના માસૂમ ચહેરા હું નજર સામે નિહાળી રહ્યો છું. આ 108 દરિયાઈ એમ્બ્યુલન્સ સહિત આ વિસ્તારના જાણીજોઈને અટકાવેલા ઘણાબધા કામો ઝડપથી થાય એવી સૂચના ગુજરાત સરકારને આપવાની વિનંતી સાથે અંબરીષ ડેરના વંદે માતરમ. આમ હ્રદયસ્પર્શી પત્ર દ્વારા માછીમાર પરિવારો ને વેદના ને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે ધારાસભ્ય દ્વારા પ્રયાસ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા માછીમારો માટે દરિયાઇ ૧૦૮ ફાળવવામાં આવે છે કે પછી માછીમારની આવી જ પરિસ્થિતિ રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે.