ભરૂચ : પત્નીની હત્યામાં શકમંદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળ્યો, રહસ્યના તાણાવાણા

ભરૂચની મહાવીર નગર સોસાયટી પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી 32 વર્ષીય પરણિતાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના ગુનામાં તેના પતિ પર શંકાની સોય ચિંધવામાં આવી હતી પણ હવે તેના પતિનો મૃતદેહ પણ ઘરની નજીક આવેલાં તળાવમાંથી મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં છે.
ભરૂચની સાબુગઢ ઝૂપડપટ્ટી નજીક આવેલ મહાવીર નગરમાં રહેતી 32 વર્ષીય નઝમા સૈયદનો હત્યા કરાયેલો મૃતદેહ ગુરુવારના રોજ મળી આવ્યો હતો. નઝમાની હત્યા તેના પતિ રફાકત અલી સૈયદે કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું. પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને આડા સંબંધના વહેમમાં તેની હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક તબકકે બહાર આવ્યું હતું. બીજી તરફ એ ડીવીઝન પોલીસે ફરાર થઇ ગયેલાં રફાકત સૈયદની શોધખોળ આદરી હતી.
દરમિયાન આજે શુક્રવારના રોજ રફાકતનો મૃતદેહ તેના ઘરની નજીક આવેલાં તળાવમાંથી મળી આવ્યો હતો. રફાકત સૈયદે પત્ની નઝમાની હત્યા કર્યા બાદ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવાય રહયું છે. ઘટનાની જાણ થતાં ભરૂચના એએસપી વિકાસ સુંડા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પતિ અને પત્ની બંનેના મોત થઇ જતાં તેમના ત્રણ સંતાનો અનાથ બની ગયાં છે. નઝમા અને રફાકતની હત્યામાં અન્ય કોઇ વ્યકતિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.