Connect Gujarat
ગુજરાત

ડાંગ : જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના વિકાસ કામોને પ્રભારી મંત્રીએ આપી મંજૂરી

પાછલા 3 વર્ષોના કામોની સમીક્ષા હાથ ધરાઈ.

ડાંગ : જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના વિકાસ કામોને પ્રભારી મંત્રીએ આપી મંજૂરી
X

ડાંગ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને પરસ્પર સહયોગ સાથે પ્રજાકીય વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ કરતા, ડાંગના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જિલ્લામાં હાથ ધરાતા વિકાસકામો બેવડાઈ નહિ તેની તકેદારી દાખવવાની સૂચના આપી છે.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠમાં મંત્રીએ સને ૨૦૨૧/૨૨ના વર્ષના ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના કુલ ₹ ૧૪૯૫ લાખના ૨૯૧ કામોને મંજૂરીની મહોર મારી હતી. જિલ્લાના વિકાસ કામો બાબતે દરેક અમલીકરણ અધિકારીઓ ખૂબ જ ચોકસાઈ સાથે નિયત સમય મર્યાદામા તેમના હસ્તકના કામો પૂર્ણ કરે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા મંત્રીએ ખાસ કરીને ભૂમિ અને જળ સંરક્ષણના કામો ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાનું આહવાન કર્યું હતું.

સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ આંશિક ફેરફાર સાથે મંજુર થયેલા સને ૨૦૨૧/૨૨ના ૨૯૧ નવા કામો ઉપરાંત બેઠકમાં ગત વર્ષ સને ૨૦૨૦/૨૧ના વર્ષમા મંજુર થયેલા કામો પૈકી શરૂ ન થઈ શકેલા જુદા જુદા વિભાગના ₹ ૪૭૬.૪૫ લાખના કુલ ૬૫ કામોની વિભાગવાર સમિક્ષા હાથ ધરી ઉપયોગી સૂચનો કર્યા હતા. જ્યારે પ્રગતિ હેઠળના ૧૧૨.૦૪ લાખના ૨૪ કામોની સ્થિતિ અંગે પણ વિચાર વિમર્શ હાથ ધર્યો હતો. ઉલ્લેખનિય છે કે, સને ૨૦૨૦/૨૧ના વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ કુલ ₹ ૧૩૪૬.૪૧ લાખના ૨૭૫ વિકાસ કામો મંજુર કરાયા હતા. દરમિયાન સને ૨૦૧૯/૨૦ના ₹ ૪૩.૮૬ લાખના શરૂ ન થઈ શકેલા ૩ કામો, તથા ₹ ૨૦૮.૦૮ લાખના પ્રગતિ હેઠળના ૧૫ કામોની ચર્ચા વિચારણા પણ હાથ ધરવામાં આવી હતી. જ્યારે સને ૨૦૧૮/૧૯ના વર્ષમા મંજુર થયેલ ડોન ગામે નારીઆંબા ફળીયા ખાતે સંગ્રહ તળાવ બનાવવાનુ ₹ ૨૩.૮૬ લાખનુ કામ સ્થળફેર હેતુ ચર્ચામાં લેવાયું હતું. તો કોરોના કાળમાં શરૂ ન થઈ શકેલા ₹ ૧૫૫.૩૯ લાખના જુદા જુદા ૧૧ કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આહવા ખાતે યોજાયેલી પ્રભારી મંત્રીની અધ્યક્ષતાવાળી બેઠકમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક શ્રી અગ્નીશ્વર વ્યાસ સહિતના ઉચ્ચાધિકારીઓએ ચર્ચામાં ભાગ લઈ અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત, સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય વિજય પટેલ, દશરથ પવાર, મહેશ ભટ્ટ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખો, સમિતિ સભ્યો, અને જુદા જુદા વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ બેઠકની કાર્યવાહી પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરાએ સંભાળી હતી.

Next Story